તાજેતરમાં ભારતની સર્વોચ્ચ અદાલતે સજાતીય લગ્નોને કાયદેસરની માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલામાં દડો સરકારના પાલામાં નાખતાં જણાવ્યું હતું કે, કાયદો ઘડવાનું કામ સંસદનું છે. જેના કારણે એલજીબીટીક્યુ સમુદાય ઘણો નારાજ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્ષ 2018માં સજાતીય સંબંધોને કાયદેસરની માન્યતા આપી દેવાઇ છે. સજાતીય સંબંધો એક મૂંઝવતો છતાં ઉકેલ માગતો સવાલ છે. વિશ્વના તમામ અગ્રણી ધર્મો સજાતીય સંબંધોને સ્વીકારતાં નથી. તેમ છતાં આજના આધુનિક યુગમાં આ પ્રકારની વ્યક્તિઓની કુદરતી લાગણીઓનો હવાલો આપીને આવા સંબંધોને સ્વીકૃતિ આપવામાં આવી રહી છે. વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં સજાતીય સંબંધો અને લગ્નોને માન્યતા મળેલી છે પરંતુ બહુમતી દેશોમાં આ પ્રકારના સંબંધો પર પાબંદી છે. ધાર્મિક નજરે આ સમુહના લોકોને તિરસ્કારની નજરથી જોવામાં આવે છે. સમાજ આ પ્રકારના લોકોને સહજતાથી સ્વીકારતો નથી. બીજીતરફ આ પ્રકારની વ્યક્તિઓની લાગણીઓને તિરસ્કૃત કરવાથી સમાજમાં ઘણા સંબંધો જોખમાતા રહે છે. ભારત એક હિન્દુ બહુલ દેશ છે. હિન્દુ ધર્મ સજાતીયતા નકારે છે. તેની સાથે મુસ્લિમ અને ખ્રિસ્તી સહિતના ધર્મો પણ સજાતીયતાને માન્યતા આપતાં નથી. એ વાત અલગ છે કે આજે વિશ્વના ખ્રિસ્તી બહુલ દેશોમાં સજાતીયતા સમાજ સ્વીકૃત બની ગઇ છે પરંતુ ભારત જેવા રૂઢિચુસ્ત સમાજમાં આ શક્ય નથી. તેમ છતાં સુપ્રીમ કોર્ટ દ્વારા નાગરિકના મૂળભૂત અધિકારને ધ્યાનમાં લઇને દેશમાં સજાતીયતાને કાયદેસરતા બક્ષી તો દેવાઇ છે પરંતુ આ કાયદેસરતા અધુરી છે. સજાતીય યુગલો દલીલ કરી રહ્યાં છે કે સજાતીય લગ્નો કાયદેસર ન હોવાના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજીતરફ સજાતીય લગ્નોને કાયદેસરતા બક્ષવા માટે સરકારે સંખ્યાબંધ કાયદામાં સુધારા કરવા પડે તેમ છે. બીજીતરફ ધાર્મિક અગ્રણીઓ અને સમુદાયો સજાતીય લગ્નોની તરફેણ કરતા નથી તેથી સરકારને ઉગ્ર વિરોધનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આ કોકડું નજીકના ભવિષ્યમાં ઉકેલાવાની કોઇ સંભાવના દેખાતી નથી. ભારતીય સમાજ હજુ એટલો મુક્ત અને સ્વતંત્ર બન્યો નથી કે સજાતીયતાને મુક્તપણે સ્વીકારી શકે.


