મારી સ્મરણયાત્રા

સી.બી. પટેલ Wednesday 25th October 2023 07:28 EDT
 
 

વિશ્વમાં દરેક સ્થળે તેમના ભાઈબંધુઓની માફક જ બ્રિટિશ ભારતીયો પણ ઉજવણીઓમાં સતત ભાગ લેવા અને મોજ માણવા તત્પર રહે છે. નવરાત્રિનો ઉત્સવ હવે પૂર્ણતાના આરે છે અને તમે આ લેખ વાંચતા હશો ત્યારે દીપાવલિના આગમનની વાટ જોવાની કેટલીક અદ્ભૂત તકોનો અનુભવ પણ કરી લીધો હશે. મેં રવિવાર. 20 ઓક્ટોબરે કોમ્યુનિટી ઈવેન્ટમાં હાજરી આપી હતી. હું ઈવેન્ટમાં સદેહે હાજર હતો પરંતુ, મારું મનડું પ્રિન્ટ મીડિયાના મારા શરૂઆતના દિવસો દરમિયાન કોમ્યુનિટી ઈવેન્ટ્સની ઉજવણીઓના વિશ્વમાં દોરી ગયેલી સ્મરણયાત્રાના વિચારોમાં મગ્ન થઈ ગયું હતું. કોઈક રીતે 70ના દાયકાના ઉત્તરાર્ધમાં બ્રેન્ટ, હેરો અને યુકેના અન્ય વિસ્તારોમાં નવરાત્રિના ગરબાઓ કોમ્યુનિટીમાં મારા સમાવેશ માટે પગથિયાં સમાન હતા.

મહિલા કામદારોનો સંઘર્ષ

મને એ દિવસનું સ્મરણ પણ થાય છે જ્યારે મેં 1977માં બ્રેન્ટ ઈન્ડિયન એસોસિયેશનની મુલાકાત લીધી હતી અને તે સમયે બ્રેન્ટ લો સેન્ટરનું સંચાલન કરી રહેલા જેક ડ્રોમીને મળવાની તક સાંપડી હતી. જેક ટ્રેડ યુનિયનિસ્ટ હતા જેમણે 2010થી તેમના 2022માં મૃત્યુપર્યંત બર્મિંગહામ એર્ડિંગ્ટન ક્ષેત્રના મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે સેવા આપી હતી. સ્થાનિક ટ્રેડ્સ કાઉન્સિલના સેક્રેટરી તરીકે ગ્રનવિક ફિલ્મ પ્રોસેસિંગ લેબોરેટરીની હડતાળ માટે સપોર્ટ પૂરો પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ હડતાળ 1976થી 1978 સુધી લંબાઈ હતી. ગ્રનવિક ફિલ્મ પ્લાન્ટમાં ભારતીય મહિલાઓ, મુખ્યત્વે ગુજરાતીઓ અને અતિશય મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરતી કચ્છી મહિલાઓની ટ્રેડ યુનિયન વહારે આવ્યું હતું.
હું જ્યારે મુખ્યત્વે મહિલા કામદારોની હડતાળ વિશે વાત કરી રહ્યો છું ત્યારે મારે જયાબહેન દેસાઈ, કૌશલ્યાબહેન દેસાઈ અને અન્ય ઘણી મહિલાઓ તેમજ તાજેતરમાં જ ઈસ્ટ આફ્રિકાથી આવેલા કેટલાક પુરુષોનો પણ ઉલ્લેખ કરવો જ રહ્યો. તેઓને સપોર્ટની સાથોસાથ ટ્રેડ યુનિયનમાં સ્વીકૃતિ પણ જોઈતી હતી. જેક ડ્રોમી આકાશને આંબતું વ્યક્તિત્વ હતું જે તેમની વહારે આવ્યું હતું.
પરંતુ, મને એ દિવસ યાદ છે જ્યારે મેં જેક ડ્રોમી, સુભાષ પટેલ અને અન્ય લોકોને વેમ્બલીના ઈલિંગ રોડ પરનાં બ્રેન્ટ ઈન્ડિયન એસોસિયેશન ખાતે નિહાળ્યા હતા. એક યુવાન સન્નારી, કદાચ તેની પાછલી વીશીમાં હશે, લોકો સાથે વાત કરી રહી હતી, તેમને બરાબર સાંભળી રહી હતી અને વિચારપૂર્ણ ટીપ્પણી પણ આપી રહી હતી. હું સૌથી વધુ પ્રભાવિત એ બાબતે થયો કે તેઓ ઘણા સૌજન્યશીલ, પરિપક્વ, વિવેકી, સભ્ય અને સુંદર પણ હતાં. તેઓ મારા સગાં બહેન હોય તે રીતે હું તેમને નિહાળી રહ્યો હતો. લોકો હવે તેમને હેરિએટ હરમાન, ‘મધર ઓફ ધ હાઉસ’ તરીકે ઓળખે છે. તેમણે લગભગ 41 વર્ષની સેવા આપ્યાં પછી 2021માં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેઓ હાઉસ ઓફ કોમન્સમાં સૌથી લાંબો સમય સેવારત સભ્ય છે.
બ્રિટિશ રાજકારણી અને ક્વોલિફાઈડ સોલિસિટર હેરિએટ હરમાન હાર્લે સ્ટ્રીટના ડોક્ટર અને બેરિસ્ટરના પુત્રી હતાં. ડ્રોમી આઈરિશ ઈમિગ્રન્ટ પેરન્ટ્સ, એક શ્રમિક અને ક્લીનરના પુત્ર હતા. તેઓ બંનેની મુલાકાત 1977માં બ્રેન્ટ લો સેન્ટરમાં થઈ હતી જ્યાં હેરિએટ ગ્રુનવિક ફોટો પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતેના હડતાળિયા કામદારોને કાનૂની સલાહ પૂરી પાડી રહ્યાં હતાં. તેમની કાળજીસભર ચિંતાએ હેરિએચને ગ્રુનવિક ખાતે સમસ્યાઓનો સામનો કરી રહેલી મહિલાઓના મુદ્દાઓ ઉકેલવા ફરજ પાડી હતી. તેમણે બંનેએ લગ્ન કરી લીધા અને મારા નિરીક્ષણ અનુસાર બ્રિટિશ પોલિટિક્સમાં સૌથી મજબૂત લગ્નબંધનોમાં તે એક હોવાનું મનાય છે.
હેરિએટે ડિસેમ્બર 2021માં પોતાનો નિર્ણય જાહેર કર્યો કે પાર્લામેન્ટમાં આ તેમની આખરી મુદત હશે. તેઓ 1982માં 32 વર્ષની વયે પેટાચૂંટણીમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટાયાં હતાં. તેમણે પોતાને અથાગ કાર્યમાં સમર્પિત કરી દીધાં અને અસંખ્ય મુદ્દાઓ વિશે અભિયાનો ચલાવ્યાં હતાં. તેમણે જ્યારે હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશ કર્યો ત્યારે માત્ર 19 મહિલા સાંસદ હતાં અને આજે તે સંખ્યા 223ની છે. લૈંગિક સમાનતા અથવા હાઉસ ઓફ કોમન્સમાં સમાનતા બાબતે તેમનું અભિયાન ભારે સફળ રહ્યું હતું. તેમના લો પે કમિશન, ન્યૂ ડીલ ફોર લોન પેરન્ટ્સ, 2010 ઈક્વલિટી એક્ટ તેમજ સન્ડે ટાઈમ્સમાં ડેક્કા એૈટકિનહેડ દ્વારા પ્રકાશિત લેખ (હેરિએટ હરમાન સાથે આ તેમનો ત્રીજો ઈન્ટરવ્યૂ હતો)માં જણાવ્યા મુજબ અન્ય ઘણા અભિયાનોને સફળતા પ્રાપ્ત થઈ હતી. હેરિએટ અને જેકના ત્રણ વયસ્ક સંતાનો છે. ગત વર્ષે 73 વર્ષના જેક ડ્રોમીનું તેમના બર્મિંગહામ મતક્ષેત્રના ફ્લેટમાં હાર્ટ એટેકથી નિધન થયું ત્યારે મને ભારે આઘાત સાથે ઘેરો શોક લાગ્યો હતો.

આપણે આટલી મજલ કાપી લીધી

હું બ્રિટનમાં મારા લગભગ છ દાયકાઓ પર વિચારમંથન કરું છું ત્યારે ટાન્ઝાનિયાથી બ્રિટિશ સિટિઝનશિપ પાસપોર્ટ સાથે આવી પહોંચ્યો તેની પણ યાદ આવે છે. જીવનના લગભગ તમામ ક્ષેત્રોમાં વધુ સારા માટે પરિવર્તન આવી ગયું છે. ચોક્કસપણે, હજુ કેટલાક પ્રશ્નો તો છે જ જેના વિશે પણ આપણે વાતો કરીશું. પરંતુ, આપણે ઘણા તર્કસંગત બનવું પડશે કે અન્ય ઘણા દેશો સાથેની સરખામણીએ બ્રિટન રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક રૂપાંતર અનોખું અને પ્રેરણાદાયી રહ્યું છે.
આનો યશ નોંધપાત્ર યોગદાન આપનારા અને હજી આપી રહેલા વૈવિધ્યપૂર્ણ પશ્ચાદભૂ ધરાવતી ઘણી વ્યક્તિઓના ફાળે જાય છે. મારા માટે હેરિએટ હરમાન યુકેને મળી શકનારા સંભવિત શ્રેષ્ઠ મહિલા પ્રાઈમ મિનિસ્ટર હતા. પરંતુ, લેબર પાર્ટીએ હજુ કન્ઝર્વેટિવ્ઝનું અનુસરણ કરવાનું છે જેણે 3 મહિલા પ્રાઈમ મિનિસ્ટર આપેલા છે. તેમના આખરી પ્રોફાઈલ મુજબ તેઓ પ્રિવિલેજ કમિટીનું અધ્યક્ષપદ ધરાવે છે. કમિટીએ બોરિસ જ્હોન્સને ડાઉનિંગ સ્ટ્રીટ લોકડાઉન મેળાવડાઓ બાબતે પાર્લામેન્ટને ખોટી માહિતી આપી હતી કે કેમ તે વિશે તેની ઈન્ક્વાયરી 23મી જૂને તે પૂર્ણ કરી હતી. રિપોર્ટમાં જાહેર કરાયું હતું કે તેમણે (બોરિસે) ગૃહને ઈરાદાપૂર્વક ખોટી માહિતી પૂરી પાડી હતી એટલું જ નહિ, તેમની તપાસ કરી રહેલા સાંસદોની કનડગત અને ધાકધમકીના અભિયાનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે હરમાન પ્રતિ રોષ અને હતાશા દર્શાવતા પાર્લામેન્ટના સભ્યપદેથી પદત્યાગ કરી દીધો પરંતુ, હરમાને પોતાનું ગૌરવ અને શિષ્ટતા જાળવી રાખ્યાં હતાં. તેમણે કોઈ ઉતાવળી ટીપ્પણી કે અન્ય ટીકા કરી જ નહિ. તાજેતરમાં જ હરમાન કમિટી ઓન સ્ટાન્ડર્ડ્સના અધ્યક્ષપદે સેવા આપવા ચૂંટાઈ આવ્યાં છે અને મને ખાતરી છે કે તેઓ નોંધપાત્ર કામગીરી બજાવશે.

બહુસાંસ્કૃતિકવાદની સુંદરતા

સ્મરણયાત્રામાં આગળ વધુ તો, એ દિવસોમાં હું લંડન, લેસ્ટર, બર્મિંગહામ, પ્રેસ્ટનના વિવિધ વિસ્તારો અને અન્યત્ર ઘણી નવરાત્રિ ગરબા ઉજવણીઓમાં હાજરી આપતો હતો. ઘણી વખત તો 10 કે 15 દિવસના સમયગાળામાં આવી 30થી 40 ઉજવણીઓમાં હાજર રહેતો હતો. જે વર્તમાનમાં મારી 87 વર્ષની યુવાન વયે શક્ય નથી. ગુરુવાર, 19 ઓક્ટોબરે મેં સાઉથ હેરોમાં પ્રસિદ્ધ ધામેચા લોહાણા સેન્ટરમાં નવરાત્રિની ઉજવણીમાં હાજરી આપી હતી. ઉત્કૃષ્ટ સ્થળ, વિશાળ જનસમૂહ, ઉષ્માસભર આતિથ્ય અને ગરબાની ધૂન પર નાચી રહેલા જોશપૂર્ણ લોકોનું દૃશ્ય નહિ ભૂલાય. હું ઘણા બધા લોકોને મળ્યો, કેટલાક લોકોને તો હું 45 વર્ષ પછી મળી રહ્યો હતો. ગરબાનું સ્થળ તો બાળકો સહિત યુવાવર્ગની સાથે ભરચક હતું. હવે તો યુવા વર્ગ મોટી સંખ્યામાં દરેક સ્થળે નવરાત્રિમાં હાજરી આપે છે. (વધુ વિગત માટે જુઓ આજ અંકમાં જુઓ પાન-16 પર ‘LCNL દ્વારા નવરાત્રિ પર્વની ધર્મોલ્લાસ સાથે રંગારંગ ઉજવણી’)
ગત શુક્રવાર, 20 ઓક્ટોબરે કરમસદ સમાજ નવરાત્રિ ઉજવણી કાંઈક અલગ જ હતી. તેનું આયોજન નક્ષત્ર નામના બેન્ક્વેટ હોલમાં થયું હતું અને સેંકડો કાર માટે પાર્કિંગની સુવિધા પણ હતી. હું માનું છું કે આ ઈવેન્ટમાં આશરે 800 લોકોની હાજરી હતી જેમાં મુખ્યત્વે મહિલાઓ અને છોકરીઓ તેમજ મોટી સંખ્યામાં બાળકો પણ ઉપસ્થિત હતાં. કદાચ, અગાઉના સમયગાળા કરતાં પ્રમાણમાં વધુ બાળકોની હાજરી જણાઈ આવે છે. બધા જ નવરાત્રિ માટે પરંપરાગત સુંદર વેશભૂષામાં સજ્જ હોય છે. લોકો પોતાની રીતે આનંદ માણી રહ્યા હતા તે દૃશ્ય નિહાળવાની મારી લાગણીને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી પરંતુ, મારી આંખોમાં અશ્રુ આવી ગયા હતા.આ સમયે મારી નજર એક યુવતિ, શ્રી આઈ.કે પટેલની પૌત્રી અને હરિશ અને ગીતાબહેનની પુત્રી પર પડી જેને હું જન્મના દિવસથી ભાંખોડિયાં ભરતી હતી ત્યારથી જાણું છું. મેં તેને પૂજા નામથી બોલાવી તો તેણે કહ્યું, ના દાદા, હું જાનકી છું, પૂજન મારો ભાઈ છે.’ આ જુવાનિયાઓ ખરેખર માફ કરી દેનારા હોય છે, આ માણસની આવી ભૂલો પણ તેઓ ચલાવી લે છે.
વધુ મહત્ત્વની વાત એ રહી કે એ ઈવેન્ટમાં હું 3 સન્નારીઓને પણ મળ્યો. મેં આ ત્રણ મહિલાને ગરબે ઘૂમતાં નિહાળી તો તેમની સાથે વાતચીત કરવાની વિનંતી કરી. એક સન્નારી મિનાક્ષીબહેન હતાં તો બીજાં ચારુબહેન અને તેમના બહેન હતાં. મેં મિનાક્ષીબહેનને મીના તરીકે સંબોધ્યા અને મૂર્ખામી એ કરી કે તેમની માતા સરોજબહેનનાં નામથી ચારુબહેનને સંબોધ્યા. ચિઝવિક હાઈ રોડ શોપના બેઝમેન્ટમાં અમારા ગરબામાં તેઓ આવતાં હતાં ત્યારે યુવાન છોકરીઓ, સંભવતઃ તરૂણીઓ જ હતી. મારે કહેવું જોઈએ કે ત્યારે કોઈ મ્યુઝિક અથવા વર્તમાન સમયની અન્ય આધુનિક સુવિધાઓ ન હતી. માત્ર મહિલાઓ જ ગરબા ગાતી અને વર્તુળાકારે ઘૂમતી હતી. જેના પછી રાસ રમાતો હતો પરંતુ, કોઈ મ્યુઝિશિયન્સ કે ગાયકો ત્યારે ન હતા.
આ વિશાળ બેઝમેન્ટ હતું અને આશરે 70 વ્યક્તિ, મુખ્યત્વે મહિલાઓ નવરાત્રિના પ્રથમ દિવસથી શરદ પૂર્ણિમા સુધી ત્યાં દરરોજ એકત્ર થાય. રસિકભાઈ પટેલ મારા ગાઢ મિત્ર અને બિઝનેસ પાર્ટનર, નટુભાઈ અને તેમના સંતાનો આતિથ્યની વ્યવસ્થાઓની બરાબર સંભાળ લેતા હતા. તે દિવસોમાં પાર્કિંગની કોઈ સમસ્યા ન હતી અને તમે તમારી કાર સહેલાઈથી પાર્ક કરી શકતા હતા. આમ છતાં, મોટા ભાગના લોકો ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હતા. હું એ બાબતે ધ્યાન દોરવા માગું છું કે આજે ચારુબહેન, તેમના બહેન અને અન્ય યુવતીઓ દાદીમા બની ગયેલ છે. તેમના સંતાનો અને સગાંઓ યુકે, યુએસએ, મિડલ ઈસ્ટ, ભારત, ઓસ્ટ્રેલિયા અને વિશ્વભરમાં સ્થાયી થઈ ગયા છે. પરંતુ, ભારતીયો તરીકે આપણામાં કેટલીક બાબત તો અનોખી જ છે. હું કેટલાક શીખ, જૈન, બૌદ્ધ, હિન્દુઓને મળ્યો છું, આપણે સહુ સનાતનધર્મી છીએ અને આપણે બધા જ આપણી વૈવિધ્યપૂર્ણ પરંપરાઓની ઉજવણી કરવા ભાગ લઈએ છીએ.

ભારતીય ડાયસ્પોરાનું યોગદાન

હું ઘણો પોઝિટિવ અને સ્પષ્ટ છું. આપણું જે કાંઈ યોગદાન હોય, આપણે ગમે ત્યાં પણ રહેતા હોઈએ, આપણે કોઈ જ અવરોધો વિના શિક્ષણ, પ્રોફેશન્સ, કૌશલ્ય, એન્ટ્રેપ્રીન્યોરશિપ અને અન્ય ઘણી બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને મોટા ભાગે કાયદાનું પાલન કરીએ છીએ. ભારતીયો જ્યાં પણ રહેતા હોય, ભલે તેઓ ગુજરાતી, પંજાબી, તામિલ અથવા અન્યો હોય, તેઓને અનોખા પ્રકારના આદરથી જોવાય છે. આપણો સ્વીકાર કરાય છે, આદર થાય છે, આપણી લાયકાતો-ક્વોલિફિકેશન્સને સુસંગત નોકરીઓ અને પોઝિશન્સ સાથે આપણી યોગ્ય કદર કરવામાં આવે છે.

અંગત દુર્ઘટનામાંથી બચાવ

હું મંગળવાર 17 ઓક્ટોબરની સાંજે મારી સાથે ઘટેલી ઘટના વિશે પણ તમને જણાવવા ઈચ્છું છું. રાત્રિના આશરે 10 વાગ્યાનો સુમાર હતો અને હું પ્રથમ માળના બેડરૂમ તરફ જઈ રહ્યો હતો. હંમેશની જેમ મારા એક હાથમાં મોબાઈલ હતો અને બીજા હાથમાં થર્મોસ ફ્લાસ્ક હતો. અમે ગત દોઢ વર્ષથી અહીં રહેવા આવ્યા ત્યારથી અને કદાચ દરરોજ, દિવસમાં ચારથી પાંચ વખત, આ રીતે પગથિયા ચડતો આવ્યો છું. પરંતુ, મંગળવારે 12માથી 13મા પગથિયે પહોંચ્યો ત્યારે ગેસ્ટ બેડરૂમના પડદા તરફ જોવામાં ધ્યાનભંગ થઈ જવાયું અને આ 70 કિલોગ્રામનું પોટલું સીડી પરથી ગબડતા ગબડતા નીચે જમીન પર પટકાઈ ગયું. આ તો ઈશ્વરના આશીર્વાદ અને તમારા સહુની પ્રાર્થનાઓના પરિણામે, એડી પર નાની ક્રેક-તિરાડ સિવાય કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. હું સાવધાની બાબતે 100 ટકા નિષ્ફળ નીવડ્યો છું. આમ છતાં, હું કેટલાક ઈવેન્ટ્સમાં હાજર રહી શક્યો છું.
હું મારી મૂર્ખતા અને બેદરકારીનો ઘટસ્ફોટ બધાને સજાગ-સતર્ક કરવા માટે કરી રહ્યો છું. વયોવૃદ્ધ વ્યક્તિઓમાં 80 ટકા અથવા વધુ ગંભીર ઈજા અને મૃત્યુ પણ તેમના પોતાના ઘરમાં જ થાય છે. મારે યાદ રાખવું જોઈએ કે એક જ ફ્લોર પર લેવાતા મારા દરેક પગલા માટે ઘણી કાળજી લેવી જોઈએ. જો કશુંક થાય, જો હું ગબડી પડું તો મારી જાતને ઈજા પહોંચે અને હું પીડા અનુભવું એટલું જ નહિ, મારા પરિવારના સભ્યોએ પણ ટ્રૌમા અને અન્ય સમસ્યાઓમાંથી પસાર થવું પડે


comments powered by Disqus