મોરબીઃ નળિયાં, તળિયાં અને ઘડિયાળ માટે દેશભરમાં દાયકાઓથી જાણીતા મોરબીનાં 1800 એકમો દ્વારા દેશનું 90 ટકા એટલે કે આશરે રૂ. 50 હજાર કરોડનું સિરામિક ઉત્પાદન અને વર્ષે રૂ. 16 હજાર કરોડની નિકાસ કરાય છે. રોજ 40 લાખ ચોરસ મીટરમાં સમાય એટલી ટાઇલ્સ ઉત્પાદન કરતા મોરબીમાં હવે શહેરથી 12 કિ.મી. દૂર પાનેલી જાંબુડિયા ગામમાં 425 હેક્ટર જમીનમાં સિરામિક પાર્કનું નિર્માણ કરવા રાજકોટમાં સમજૂતી કરાર કરવામાં આવ્યા.
દૈનિક ચારથી પાંચ લાખ લોકોને રોજી આપી શકતા મોરબીમાં ટાઇલ્સ ઉદ્યોગ માટે મશીનરી ચીનથી આયાત કરાતી હોય છે, તેના બદલે તે રાજકોટમાં બનવાનું શરૂ થાય અથવા લેવાય તે માટે મોરબી સિરામિક અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન વચ્ચે પણ એમઓયુ કરવામાં આવ્યા હતા.
ઇઝરાયલ-ગાઝાના યુદ્ધથી આ ઉદ્યોગને થોડો ફટકો પડ્યો છે, મોરબીથી ઇઝરાયલ મહિને રૂ. 40થી 50 કરોડની ટાઇલ્સની નિકાસ કરાય છે, જેને માઠી અસર પહોંચી છે. મોરબીની ટાઇલ્સ અમેરિકા, યુરોપ, આફ્રિકા, મધ્ય-પૂર્વ દેશોમાં નિકાસ થતી હોય છે. પ્રિ સમિટમાં કુલ રૂ. 1280 કરોડના એમઓયુ સાઇન કરાયાં છે અને મુખ્યત્વે સિરામિક અને એન્જિનિયરિંગ મશીન ટૂલ્સ ઉદ્યોગો પર ભાર દેવાયો હતો.


