નવી દિલ્હીઃ અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા રામમંદિરના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેને ડિસેમ્બર અંત સુધીમાં પૂર્ણ કરી લેવાની તૈયારી થઈ રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રામમંદિરના નિર્માણ માટેના ફંડના અન્ય દ્વાર પણ ખોલી દેવાયા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રમાં આકાર લઈ રહેલા રામમંદિર માટે ફોરેન ફંડ માટેની મંજૂરી આપી દીધી છે, જેના માટેનું એફસીઆરએ લાઇસન્સ ટૂંક સમયમાં જ મંદિર ટ્રસ્ટને આપી દેવાશે. આમ હવે વિશ્વભરના રામભક્તો રામમંદિરના નિર્માણકાર્યમાં પોતાનું યોગદાન આપી શકશે, જેથી વિદેશથી પણ મંદિરનિર્માણ માટે ધન પ્રાપ્ત થતાં મંદિરમાં ફંડની કમી નહીં રહે.
આ અંગેની જાણકારી જનરલ સેક્રેટરી ચંપતરાય દ્વારા ગત બુધવારે આપવામાં આવી. ચંપતરાયે ટ્વીટર પર પોસ્ટ કરી જણાવ્યું કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રને વિદેશ યોગદાન અધિનિયમ 2010 અંતર્ગત સ્વૈચ્છિક યોગદાન મેળવવા માટે ગૃહ મંત્રાલયના એફસીઆરએ વિભાગ દ્વારા માન્યતા આપવામાં આવી છે. વિદેશી સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થનારું કોઈપણ સ્વૈચ્છિક યોગદાન માત્ર ભારતીય સ્ટેટ બેન્કની સંસદ માર્ગ શાખામાં જ સ્વીકાર કરવામાં આવશે. અન્ય કોઈપણ બેન્ક અને ભારતીય સ્ટેટ બેન્કની અન્ય શાખામાં મોકલાયેલું ફંડ સ્વીકારાશે નહીં.
આ બેન્ક એકાઉન્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના નામનું છે, જે બેન્ક 11, સંસદ માર્ગ, નવી દિલ્હી, 110001 પર આવેલી છે અને તેનો એકાઉન્ટ નંબર 42162875158, આઇએફએસસી કોડ SBIN0000691 અને સ્વિફ્ટ નંબર SBININBB104 છે.
નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, મંદિરની પ્રાણપ્રતિષ્ઠા 20થી 24 જાન્યુઆરી વચ્ચે કોઈપણ દિવસે થઈ શકે છે, જેમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપી શકે છે. છેલ્લી તારીખ પીએમઓની માહિતીના આધારે નક્કી કરવામાં આવશે. રામમંદિર ટ્રસ્ટે મંદિરની જુદીજુદી તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી છે, જેમાં ફર્સ્ટ ફ્લોર સુધીની કામગીરી સ્પષ્ટ જોઈ શકાય છે.


