ગાંધીનગરઃ પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજેપણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે વરદાયિની માતાજીની પલ્લી ભરાય છે. દરવર્ષે લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયિની માતાજીની પલ્લી આ વર્ષે પણ નવમા નોરતે કાઢવામાં આવી હતી, જેનાં દર્શનનો લહાવો લેવા હજારો લોકો ઊમટ્યા હતા. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરાયો હતો. વહેલી સવારથી જ રૂપાલ ગામના તમામ રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
હજારો લોકો દર્શન કરવા ઊમટ્યા
નવમા નોરતે રાત્રે ઉનાવાના ઠાકોર સમાજના લોકો દ્વારા વરદાયિની માતાજીની પલ્લીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે બાદ માતાજી દર્શન આપવા નીકળાં હતાં. આ દરમિયાન હજારો લોકો માતાજીનાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ગામના તમામ 27 ચોક અને તેને જોડતી ગલીઓમાં ઘીની ખાસ ટ્રોલી રાખવામાં આવી હતી. માનતાનું ઘી ભક્તો દ્વારા આ ટ્રોલી અને પીપડામાં નાખવામાં આવ્યું હતું, જેનાથી માતાજીની પલ્લી આવતાં જ અભિષેક કરાયો હતો. કહેવાય છે કે જ્યારે રૂપાલ ગામમાં માતાજીની પલ્લી નીકળે છે ત્યારે ગામના લોકો બીજા દિવસે દશેરાએ પલ્લી મંદિરમાં મુકાયા બાદ માતાજીને ઘી અર્પણ કરે છે.
દેશ-વિદેશથી પણ આવે છે ભક્તો
માતા વરદાયિનીની પલ્લી કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માતાની માનતાથી જન્મેલાં બાળકો હોય કે અન્ય કોઈ કારણે મળેલા શુભ ફળની પ્રાપ્તિ થતાં ભક્તો દૂરદૂરથી અહીં દર્શને આવે છે. ત્યાં સુધી કે માતાની પલ્લીનાં દર્શન કરવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશ બહાર અમેરિકા, લંડનથી પણ ભાવિક ભક્તો ઉમટે છે. ન આવી શકવાની સ્થિતિમાં તેઓ ઘી મોકલે છે.


