ગાંધીનગરઃ અમદાવાદના લોથલ ખાતે રૂ.3.45 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રકલ્પની કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે સમીક્ષા કરી હતી. રાજ્યકક્ષાના શિપિંગ મંત્રી શ્રીપાદ નાઇક સાથે તેમણે સ્થળ મુલાકાત લીધી અને કહ્યું, ‘અહીં વિશ્વનું સૌથી ઊંચું 77 મીટરનું આઇકોનિક લાઇટહાઉસ મ્યુઝિયમ તૈયાર થશે. આ સાથે અહીં એક નેવલ મ્યુઝિયમ પણ હશે, જેમાં વિવિધ પ્રકારનાં જહાજો અને વહાણવટાને લગતી વિગતો જાણવા મળશે.’
માંડવિયાએ જણાવ્યું કે, લોથલ ખાતે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા આ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેનો પહેલો તબક્કો આગામી જાન્યુઆરીના અંત ભાગ સુધીમાં તૈયારી થઈ જશે અને તેનું લોકાર્પણ કરવામાં આવશે. હડપ્પીય સંસ્કૃતિ કાળમાં ધમધમતું અને વ્યાપારનું કેન્દ્ર રહેલું લોથલ બંદર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા જહાજવાડાને કારણે આ સ્થળનું ખૂબ મહત્ત્વ હતું. તે વખતે જે વ્યવસ્થાઓ અને વિનિમય હતો, તેનું તાદ્દશ્ય દર્શન થાય તે પ્રકારનું આ કોમ્પલેક્સ બનાવાશે.
આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે 400 એકર જમીન ફાળવી છે. આ મ્યુઝિયમમાં લોથલ મિની રિક્રિએશન ઉપરાંત મેમોરિયલ થીમ પાર્ક, મેરીટાઇમ અને નેવી થીમ પાર્ક, ક્લાઇમેટ થીમ પાર્ક તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક જેવાં ચાર થીમ પાર્કનું નિર્માણ કરાશે.


