આણંદઃ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનારા અને હજારો દર્દીઓને હૃદયની ઉત્તમ સારવાર પૂરી પાડનારા શ્રી કૃષ્ણ હોસ્પિટલના ભાનુભાઈ અને મધુબહેન પટેલ કાર્ડિયાક સેન્ટરના 15મા સ્થાપનાદિને ઉજવણીના ભાગરૂપે સાતમી હેલ્ધી હાર્ટ વોકેથોન 8 ઓક્ટોબરે સવારે 7 વાગ્યે યોજાઈ. 15મા સ્થાપનાદિન નિમિત્તે 8 ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન સ્પેશિયલ કાર્ડિયાક હેલ્થ ચેકઅપ પેકેજ માત્ર રૂ. 1500માં જ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું.
આ વોકેથોનનો મુખ્ય ઉદ્દેશ લોકસમુદાયમાં હૃદયરોગ વિશે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગેની જાગૃતિ ફેલાવવાનો હતો. આયોજિત કરવામાં આવેલા આ વોકેથોનમાં આશરે 2500થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
વોકેથોનનું પ્રસ્થાન એલિકોન ગ્રૂપ ઓફ કંપનીઝના મેનેજિંગ ડાયરેક્ટર પ્રયાસ્વીનભાઈ પટેલે કરાવ્યું હતું. આ પ્રસંગે ચારુતર આરોગ્ય મંડળના અધ્યક્ષ અતુલ પટેલ, સંસ્થાના માનદમંત્રી જાગૃત ભટ્ટ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ, રજિસ્ટ્રાર ડો. હરિશ દેસાઈ, કંટ્રોલર એકેડેમિક્સ ડો. જ્યોતિ તિવારી, શ્રીકૃષ્ણ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ જિતેશ દેસાઈ, મંડળના બોર્ડના સભ્યો, યુનિવર્સિટી સંચાલિત તમામ કોલેજના ડીન અને પ્રિન્સિપાલ, વિદ્યાર્થીઓ, કાર્ડિયાક સેન્ટરના ડોક્ટર્સ, સ્ટાફ, એનએસએસ વોલેન્ટિયર્સ, ભાઈકાકા યુનિવર્સિટીના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
વોકેથોનમાં સેન્ટર ખાતે સારવાર લીધેલા હૃદયરોગના દર્દીઓએ પણ ભાગ લીધો હતો અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશો ફેલાવ્યો હતો.


