અમદાવાદઃ ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે અવસાન થયું. વાઘ-બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતાં ગુજરાત ઉદ્યોગજગતમાં શોકની લગાણી છવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં થયેલા શ્વાનના હુમલામાં પડી જતાં પરાગ દેસાઈને બ્રેઇન હેમરેજ થયું હતું અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
રસ્તા પર પડી જતાં થયું બ્રેઇન હેમરેજ
મળતી માહિતી અનુસાર 15 ઓક્ટોબરે સવારે પરાગ દેસાઈ તેમના ઘરથી નજીક ઇસ્કોન-આંબલી રોડ પર ચાલવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમની પાછળ કેટલાંક રખડતાં શ્વાન દોડ્યાં હતાં. આ દરમિયાન તેઓ રસ્તા પર લપસીને પડી જતાં માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેઓને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું.
ખાનગી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
ઇજાગ્રસ્ત પરાગ દેસાઈને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેઓ સિનિયર ડોક્ટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની તબિયત લથડતાં તેઓને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
સાત દિવસ રખાયા વેન્ટિલેટર પર
પરાગ દેસાઈના પરિવારના નજીકનાં સૂત્રોના જણાવ્યા અનુસાર માથામાં ગંભીર ઇજા થયા બાદ તેમની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી અને નિધન પહેલાં તેમને સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. રવિવારે સાંજે તેઓની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે તેઓનું હોસ્પિટલમાં અવસાન થયું છે.


