સુનાકનું એક વર્ષ, મક્કમ નીતિઓ છતાં મતદારોમાં નારાજગી

Wednesday 25th October 2023 05:58 EDT
 

25 ઓક્ટોબર 2023ના રોજ રિશી સુનાકના સત્તામાં આવ્યાને એક વર્ષ પુરું થઇ રહ્યું છે. આ એક વર્ષમાં રિશી સુનાકે વડાપ્રધાન તરીકે ઘણા પડકારો અને ઉતાર ચડાવનો સામનો સફળતાપુર્વક કર્યો છે તેમ છતાં તાજેતરના સમયમાં તેમની અને કન્ઝર્વેટિવ પાર્ટીની લોકપ્રિયતાનું મસમોટું ધોવાણ થયું છે. તેના પરિણામ સ્વરૂપ હાલમાં યોજાયેલી સધર્ન ઇંગ્લેન્ડની મિડ બેડફર્ડશાયર અને વેસ્ટ મિડલેન્ડ્સની ટેમવર્થ બેઠકોની પેટાચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને કારમો પરાજય સહન કરવો પડ્યો છે. એમાં શંકા નથી કે સુનાકની મક્કમ નીતિ છતાં લેબર પાર્ટીનો ગ્રાફ સતત ઊંચો ચડી રહ્યો છે. પરંતુ કહેવું રહ્યું કે એક વર્ષના શાસનકાળમાં સુનાકે ડાઉનિંગ સ્ટ્રીટમાં શિષ્ટાચાર અને વિચારશીલતાની પુનઃસ્થાપના કરી છે. લિઝ ટ્રસ અને ક્વાસી ક્વારતેંગની આર્થિક હારાકિરી બાદ દેશનું અર્થતંત્ર ખાડે જવાની તૈયારીમાં હતું પરંતુ રિશી સુનાક અને તેમના ચાન્સેલર જેરેમી હન્ટ દેશના અર્થતંત્રને સ્થિરતા આપવામાં મહદ્દ અંશે સફળ રહ્યાં છે. પેટાચૂંટણીમાં કારમા પરાજયના માઠા સમાચાર વચ્ચે સારા સમાચાર એ પ્રાપ્ત થઇ રહ્યાં હતાં કે બ્રિટનની તિજોરી મજબૂત બની રહી છે. ફુગાવામાં ધીમી ગતિએ છતાં ઘટાડો થઇ રહ્યો છે, બ્રિટનના જાહેર દેવામાં ઘટાડો નોંધાયો છે, સરકારની કરવેરાની આવકમાં વધારો થયો છે. આ બધાં અર્થતંત્ર મજબૂત બની રહ્યું હોવાના સંકેતો આપે છે. એક વર્ષના શાસનકાળમાં સુનાકે રેવડી કલ્ચરને અપનાવવાને બદલે દેશની જનતાને કડવી દવાના થોડા ડોઝ આપીને અર્થતંત્રની ગાડીને પુનઃપાટા પર લાવવાનું કામ કર્યું છે છતાં સુનાકના પુરોગામીઓ દ્વારા કરાયેલી ભૂલો અને કૌભાંડો કન્ઝર્વેટિવ પાર્ટીની લોકપ્રિયતા ઘટાડવામાં મહત્ત્વની ભુમિકા ભજવી ચૂક્યાં છે. આવી સ્થિતિમાં સુનાકે પોતાની નીતિઓમાં કેટલીક પીછેહઠ કરવાની ફરજ પણ પડી છે. નેટ ઝીરો નીતિમાં સુનાકે ઢીલાશ અપનાવવાનો પ્રારંભ કર્યો તો એચએસટુ રેલ નેટવર્કને સ્થગિત કરાઇ. વડાપ્રધાન હવે કદાચ આવકવેરામાં અને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપે તેવી ચર્ચા છે. રાજનીતિમાં સત્તા પર ટકી રહેવા લોકપ્રિય પગલાં પણ આવશ્યક છે કારણ કે મતદારો ઘણીવાર ધીરજ ગુમાવી બેસતાં હોય છે. સત્તાધારી પાર્ટી દ્વારા લેવાયેલાં આકરાં પરંતુ દુરોગામી અસર ધરાવતા પગલાંના પરિણામની રાહ જોવાની તેમનામાં ધીરજ હોતી નથી જેના પગલે સત્તાધારી પાર્ટીને પરાજયનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં સુનાકે પણ આગામી ચૂંટણીમાં સત્તા ટકાવી રાખવા લોકલુભાવન પગલાંની ભેટ આપવી પડશે.


comments powered by Disqus