સુરતમાં સૌથી નાની વયના બાળકનું અંગદાનઃ 6 બાળકોને નવજીવન મળ્યું

Wednesday 25th October 2023 06:56 EDT
 
 

સુરતઃ ભારતના ઇતિહાસમાં સૌથી નાની વયના બાળકનાં અંગોનું દાન સુરતમાં કરાયું છે. સુરતની હોસ્પિટલમાં જન્મેલા બાળકે માત્ર સાડાચાર દિવસમાં જ દુનિયાને અલવિદા કરી દીધી હતી. જો કે જન્મથી મૃત્યુ વચ્ચેના 111 કલાકમાં આ બાળકે અન્ય 6 બાળકોને નવજીવન આપ્યું છે. બાળક જન્મ્યા બાદ રડ્યું ન હતું કે કોઈ હલનચલન કરતું નહોતું, જેથી ચાઇલ્ડ હોસ્પિટલના આઇસીયુમાં તેને સારવાર અપાઈ હતી. જો કે ડોક્ટરે બાળકને બ્રેઇનડેડ જાહેર કરતાં પરિવારે બાળકનાં અંગોનું દાન કરવા સહમતી આપી હતી.
અંગદાન ક્ષેત્રે સુરત દેશમાં પ્રથમ ક્રમે આવે છે, ત્યારે માત્ર સાડા ચાર દિવસના જ બાળકના અંગદાન માટે પરિવારે સહમતી દર્શાવી અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૌથી નાની વયના બાળક દ્વારા અંગદાનની આ ભારતની પ્રથમ ઘટના છે, તો વિશ્વમાં બીજા ક્રમે છે.
અમારા માટે ખૂબ મુશ્કેલ હતુંઃ ચેતનાબહેન
બાળકનાં દાદી રશ્મિબહેન સંઘાણીએ જણાવ્યું હતું કે, આ અમારા માટે ખૂબ મુશ્કેલ હતું, પરંતુ અન્ય બાળકોને નવજીવન આપવાનો વિચાર કરીને અમે આ નિર્ણય લીધો છે. મારા સાસુ રશ્મિબહેને પરિવારને સમજાવી અંગદાન કરવા માટે સંમત કર્યા હતા અને તેનો અમે આજે ગર્વ અનુભવીએ છીએ. અન્ય બાળકો જ્યારે અમારા બાળકનાં અંગો થકી નવજીવન મેળવશે ત્યારે અમે તેમાં અમારો ખુદનો પુત્રની જ છબી જોઈશું. સુરતમાં થયેલા અંગદાન દ્વારા નવરાત્રી દરમિયાન શક્તિનું અનોખું સ્વરૂપ જોવા મળ્યું છે.

સુરતમાં 107 ગ્રીન કોરિડોરથી 1173 લોકોને નવજીવન

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે સુરત પોલીસે અત્યાર સુધીમાં 107 ગ્રીન કોરિડોર દ્વારા 1173 લોકોને નવજીવન આપ્યું છે. ગ્રીન કોરિડોર ઊભા કરી સુરતમાં અને રાજ્યના વિવિધ ભાગમાં ઓર્ગનને ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. આ 107 ગ્રીન કોરિડોરમાંથી ચાલુ વર્ષમાં 18 ગ્રીન કોરિડોર ઊભા કરવામાં આવ્યા હતાં.


comments powered by Disqus