નવી દિલ્હીઃ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ચિંતાજનક સમાચાર આપ્યા છે. બાગચીએ કહ્યું કે, સરકાર ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જો કે યુદ્ધ પ્રભાવિત ગાઝા વિસ્તારમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા અને પરત લાવવા મુશ્કેલ બનશે.
હોસ્પિટલ એટેકને લઈ ઇઝરાયલના પુરાવા
ગાઝા પટ્ટીમાં અલ-અહલી હોસ્પિટલમાં વિસ્ફોટને લઈને ઇઝરાયલ દ્વારા પોતે નિર્દોષ હોવાના પાંચ પુરાવા આપ્યા છે. જેમાં હમાસનો ઓડિયો છે, જેમાં હમાસનું જ રોકેટ મિસફાયર હોવાની ચર્ચા છે. આ સિવાય હોસ્પિટલના પહેલા અને પછીના ફોટો, હમાસના ઠેકાણાઓનો વીડિયો, મિસ ફાયર કરેલા રોકેટના ફૂટેજ અને અમેરિકાએ આપેલી ક્લીનને જોડવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ હોસ્પિટલ પર હુમલામાં ઇઝરાયલને ક્લીનચીટ આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ઇઝરાયેલ મુલાકાત દરમિયાન કહ્યું કે, ઇઝરાયલે હોસ્પિટલ પર હુમલો કર્યો નથી.
ભારત પેલેસ્ટાઈનને મદદ ચાલુ રાખશેઃ મોદી
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધમાં ભારતે શરૂઆતથી જ ઇઝરાયલને સમર્થન આપ્યું છે. જો કે પીએમ મોદીએ ગુરુવારે પહેલી વખત પેલેસ્ટાઇનના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી બંને પક્ષો વચ્ચે ભારત તેની લાંબા સમયની સ્થિતિ પર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પેલેસ્ટાઇનના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે વાત કરતાં ગાઝાની હોસ્પિટલમાં નાગરિકોનાં મોત પર સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ભારત પેલેસ્ટાઇનના લોકો માટે માનવીય મદદ મોકલવાનું ચાલુ રાખશે તેમ પણ જણાવ્યું હતું. જો કે તેમણે આ વિસ્તારમાં આતંકવાદ, હિંસા અને બગડતી સુરક્ષા સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દરમિયાન અમેરિકન પ્રમુખ જો બાઇડેન પછી બ્રિટનના પ્રધાનમંત્રી રિશી સુનાકે પણ ઇઝરાયેલનો પ્રવાસે કર્યો છે. તેમણે ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું, હું ઇઝરાયેલમાં છું. આતંકવાદ સામે તમારી સાથે ઊભો છું. આ પહેલાં જર્મન ચાન્સેલર ઓલા સ્કોવ્ઝ પણ ઇઝરાયલ પ્રત્યે સમર્થન દર્શાવવા ત્યાં પહોંચ્યા હતા.


