પેલેસ્ટાઇન વિવાદ હંમેશા ધાર્મિક સ્વરૂપ કેમ ધારણ કરી લે છે...

Wednesday 01st November 2023 05:59 EDT
 

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો પ્રાદેશિક વિવાદ હવે મુસ્લિમોની યહૂદીઓ પ્રત્યેની નફરતનું કારણ બની રહ્યો છે. યુકેથી લઇને મિડલ ઇસ્ટના દેશો, એશિયાના દેશોમાં મુસ્લિમો અને યહૂદીઓ વચ્ચે ગજગ્રાહ વધી રહ્યો છે. પેલેસ્ટાઇન સમર્થકો ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના ટકરાવને જેહાદનું સ્વરૂપ આપી રહ્યાં છે. રશિયામાં દાગેસ્તાનના એરપોર્ટ પર ઇઝરાયેલથી આવેલી ફ્લાઇટમાં યહૂદીઓને શોધવા મુસ્લિમોના ટોળાએ ફ્લાઇટને ઘેરી લીધી હતી. આમ જોવા જાવ તો ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો વિવાદ વંશીય, રાષ્ટ્રીય, ઐતિહાસિક અને ધાર્મિક એમ ઘણા પરિબળોથી ઘેરાયેલો છે. તેમાં ધાર્મિક પરિબળ પણ અત્યંત મહત્વનું છે. પેલેસ્ટાઇનના મોટાભાગના લોકો મુસ્લિમ ધર્મ પાળે છે. ઇસ્લામ અને યહૂદીઓ વચ્ચે ઇસ્લામની સ્થાપનાથી જ ટકરાવ થઇ રહ્યો છે. તેથી જ પેલેસ્ટાઇન એક પ્રાદેશિક વિવાદ હોવા છતાં ધાર્મિક સ્વરૂપ ધારણ કરી લે છે અને તેના વ્યવહારૂ ઉકેલ હાંસિયામાં ધકેલાઇ જાય છે. પવિત્ર સ્થળોનો મામલો હોય કે બંને ધર્મમાં રહેલી માન્યતાઓ હોય, ઇસ્લામ અને યહૂદી ધર્મમાં રહેલા સંખ્યાબંધ ધાર્મિક પરિબળો આ વિવાદમાં ધર્મને કેન્દ્રમાં લાવી દે છે જે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેની કાયમી શાંતિની કોઇપણ સંભાવના માટે હાનિકારક નીવડે છે. ઇઝરાયેલમાં રહેલા કટ્ટર ધાર્મિક ઝિયોનિસ્ટ પોતાને ધર્મના રક્ષક ગણાવે છે અને યહૂદી રાષ્ટ્ર કેવા પ્રકારનું હોવું જોઇએ તે નક્કી કરે છે. તેઓ આરબો એટલે કે મુસ્લિમોને કોઇપણ પ્રકારની છૂટછાટ આપવા ઇચ્છતા નથી. બીજીતરફ પેલેસ્ટાઇનના ઇસ્લામિક સંગઠનો અને ઇસ્લામિક દેશો ધાર્મિક કારણોસર તેમના પવિત્ર સ્થળોને યહૂદી કબજામાંથી મુક્ત કરાવવા માગે છે. તેઓ હંમેશા ઇઝરાયેલ અને યહૂદીઓ પ્રત્યેના ધિક્કાર અને હિંસાને સમર્થન આપતાં રહ્યાં છે. યરૂશાલેમમાં આવેલી અલ અક્સા મસ્જિદ મુખ્ય ધાર્મિક વિવાદ રહી છે. મુસ્લિમો એમ માને છે કે યહૂદીઓ અલ અક્સા મસ્જિદનો નાશ કરીને તેના સ્થાને તેમનું મંદિર બનાવવા માગે છે જ્યારે યહૂદીઓ માને છે કે મુસ્લિમો અમારું નિકંદન કાઢવા તત્પર છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં ફેલાતી અફવાઓ આ વિવાદની આગમાં ઘી હોમવાનું કાર્ય કરે છે અને તેથી જ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનનો વિવાદ પ્રાદેશિક ઓછો અને ધાર્મિક વધુ બની રહ્યો છે. તેથી જ્યારે પણ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષ થયો છે ત્યારે સમગ્ર વિશ્વના મુસ્લિમો યહૂદીઓ સામે મેદાનમાં ઉતરી આવે છે. યહૂદી અને મુસ્લિમ વચ્ચે સંઘર્ષનું મુખ્ય કારણ યરૂશાલેમ છે. યરૂશાલેમ વિશ્વના 3 ધર્મ, ખિસ્તી – યહૂદી અને મુસ્લિમનું કેન્દ્ર સ્થાન છે. સદીઓથી આ શહેર પર કબજા માટે ઘણા ધર્મયુદ્ધ પણ લડાયાં છે. યરૂશાલેમ પર અત્યાર સુધીમાં 52 વાર હુમલા થયાં છે, 44 વાર શહેર પર સત્તાઓ બદલાઇ છે. બે વાર આ શહેરનો સંપુર્ણ નાશ થઇ ચૂક્યો છે. આ શહેર પર ઇજિપ્શિયનો, કનાની, યહૂદી, ગ્રીક, રોમન, પર્શિયન, બિઝેન્ટાઇન અને ઇસ્લામિક ખલીફાઓ, ક્રુઝેડર્સ, ઓટોમન, બ્રિટિશ અને છેલ્લે જોર્ડનિયનો શાસન કરી ચૂક્યાં છે. ઇઝરાયેલની સ્થાપના બાદ યરૂશાલેમ પેલેસ્ટાઇનના કબજામાં જતું રહ્યું હતું પરંતુ ત્યારબાદના ઇઝરાયેલ-આરબ યુદ્ધોમાં ઇઝરાયેલે જોર્ડન પાસેથી છીનવી લઇ યરૂશાલેમ પર કબજો જમાવી દીધો હતો. યહૂદી અને બાઇબલના ઇતિહાસમાં યરૂશાલેમ યહૂદી રાષ્ટ્રની રાજધાની છે. આ શહેરમાં જ યહૂદીઓનું પવિત્ર મંદિર આવેલું હતું જેનો નાશ ઇ.સ.70માં રોમનોએ કરી નાખ્યો હતો. હવે તે મંદિરની ફક્ત એક દિવાલ જ બચી છે જે યહૂદીઓમાં અત્યંત પવિત્ર મનાય છે. ઇસ્લામિક ઇતિહાસમાં યરૂશાલેમને પ્રથમ મુસ્લિમ કિબ્લાહ માનવામાં આવે છે. અહીંથી જ મોહમ્મદ પયગમ્બર સાહેબે જન્નત તરફ પ્રયાણ કર્યું હોવાની માન્યતા છે. તેવી જ રીતે ખ્રિસ્તીઓના ઘણા પવિત્ર સ્થળ યરૂશાલેમમાં આવેલાં છે. યહૂદીઓ માને છે કે મસીહાના અવતરણ પહેલાં સમગ્ર ઇઝરાયેલ પર યહૂદી શાસન હોય જ્યારે મુસ્લિમો માને છે કે કયામતના દિવસ પહેલાં સમગ્ર ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન ઇસ્લામિક શાસન હેઠળ હોય. આમ જ્યારે પણ યહૂદી અને પેલેસ્ટિનિયનો વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે યહૂદી-ખ્રિસ્તી અને મુસ્લિમ જગત સામસામે આવી જતાં હોય છે. આ ધાર્મિક વિવાદના કારણે જ પેલેસ્ટાઇનના હામી બનીને ફરતા આતંકવાદી સંગઠનો ઇઝરાયેલના નિકંદનની ગુલબાંગો પોકારતા રહે છે. હાલ તો આ સંઘર્ષ ફક્ત ઇઝરાયેલ અને હમાસ તથા તેના હિઝબુલ્લાહ જેવા સાથી સંગઠનો પુરતો મર્યાદિત છે પરંતુ ઐતિહાસિક ધાર્મિક પરિબળોના કારણે તેના પડઘા સમગ્ર વિશ્વમાં પડી રહ્યાં છે.


comments powered by Disqus