સર સ્ટાર્મર સામે પોતાનું જ સળગતું ઘર સંભાળવાનો પડકાર

Wednesday 01st November 2023 06:01 EDT
 

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ મુદ્દે લેબર પાર્ટીમાં ઘમસાણ સર્જાયું છે. લેબર પાર્ટીના વડા સર કેર સ્ટાર્મરના ઇઝરાયેલ તરફી વલણના કારણે તેમના ફ્રન્ટ બેન્ચર્સ શેડો મિનિસ્ટરોએ જ તેમની સામે બળવાનું બ્યૂગલ ફૂંકી દીધું છે અને સ્ટાર્મરના વલણથી વિપરિત ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેના યુદ્ધમાં તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ કરાવવાની માગ કરી છે. સ્ટાર્મરે ઇઝરાયેલના હમાસ પરના આક્રમણને તેનો અધિકાર ગણાવવાની સાથે ગાઝામાં માનવીય સહાય સ્થગિત કરી દેવાની પણ માગ કરી હતી. લંડન અને માન્ચેસ્ટરના મેયરો ઉપરાંત સંખ્યાબંધ લેબર કાઉન્સિલરો પણ સ્ટાર્મર સામે મેદાનમાં ઉતરી આવ્યાં છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે લેબર પાર્ટીના ઊભા ફાડિયા કરી દીધાં છે. સંસદની ચૂંટણી આડે એક વર્ષ પણ રહ્યું નથી ત્યારે સ્ટાર્મરે પૂર્ણ કક્ષાની રાજકીય કટોકટીનો સામનો કરવાનો સમય આવ્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 3.9 મિલિયન મુસ્લિમ મતદારો વસવાટ કરે છે અને તેમાંના મોટા ભાગના લેબર પાર્ટીના સમર્થકો છે. તેના કારણે લેબર સાંસદો પોતાના મતદારોને સાચવવાનો પ્રયાસ કરે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. મહત્વનો સવાલ એ છે કે સ્ટાર્મર અને તેમના સીનિયર સાથીઓ પાર્ટીમાં શરૂ થયેલા ઘમસાણને કેવી રીતે ડામશે અને સંસદની ચૂંટણી પહેલાં પાર્ટીને એકજૂથ રાખી શકશે કે કેમ. સ્ટાર્મર સામે લાખો મુસ્લિમ અને યહૂદી મતદારોને પોતાના પક્ષે રાખવાનો પણ મોટો પડકાર મોં ફાડીને ઊભો છે. એ વાતમાં કોઇ શંકા નથી કે સ્ટાર્મરના નેતૃત્વમાં મતદારો મધ્યે લેબર પાર્ટીનો પ્રભાવ વધ્યો છે પરંતુ ઇઝરાયેલનું સમર્થન કર્યા બાદ ચિત્ર આખું બદલાઇ ગયું છે. સ્ટાર્મર હવે પોતાની જ પાર્ટીમાં પ્રચંડ વિરોધનો સામનો કરી રહ્યાં છે. જેની સીધી અસર લેબર સમર્થક મુસ્લિમ મતદારો પર પણ થઇ રહી છે. મુસ્લિમ બહુલ વિસ્તારોના લેબર પ્રતિનિધિઓ તેમનું રાજકીય વજૂદ બચાવવા સ્ટાર્મર સામે ગમે તે હદે જઇ શકે છે. તેથી સ્ટાર્મર માટે આગામી માર્ગ વધુ કંટકમય બની રહ્યો છે. હવે તેઓ ખુલાસા કરીને વિવાદને ડામવાનો પ્રયાસ તો કરી રહ્યાં છે પરંતુ છૂટી ગયેલું તીર સ્ટાર્મરની રાજકીય સંભાવનાઓને ડામાડોળ કરી રહ્યું છે. હવે તેમને કન્ઝર્વેટિવનો સામનો કરતાં પહેલાં પોતાના સળગતા ઘરને સંભાળવાનો પડકાર મળી રહ્યો છે.


comments powered by Disqus