અમદાવાદઃ અમદાવાદ શહેર 2036ની ઓલિમ્પિક રમતો માટે યજમાન બનવા માટેની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યું છે. નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમને જમીનદોસ્ત કરી અત્યાધુનિક બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ સ્ટેડિયમને ઓલિમ્પિક રમતોના ધારાધોરણ અનુસાર બનાવાશે, જેમાં આધુનિક સુવિધા ધરાવતું એક શ્રેષ્ઠ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી સજ્જ કરાશે. ગયા વર્ષે એપ્રિલ માસમાં મ્યુનિ.એ 63 વર્ષ જૂના આ સ્ટેડિયમને અનફિટ જાહેર કર્યું છે. તેનું રિનોવેશન કરાય તો અંદાજે રૂ. 60 કરોડનો ખર્ચ થઈ શકે છે. જો કે નવું સ્ટેડિયમ બાંધવાનો ખર્ચો કોણ ઉઠાવે તે પ્રશ્ન ઊભો થતાં એએમસીએ ઓલિમ્પિક એસ્ક્લેવનો ખર્ચ ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે ગુજરાત સરકારે સ્થાપેલા એસવીપી ઉઠાવે તેની દરખાસ્ત કરવા તજવીજ કરી છે.


