આગામી સપ્તાહે નવી દિલ્હીમાં વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના વડા જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચી રહ્યાં છે ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગેરહાજરી સમિટની સફળતા પર મોટો પ્રશ્નાર્થ સર્જી રહી છે. યુક્રેન પર રશિયાના આક્રમણને દોઢ વર્ષ વીતી ગયું છે છતાં આ યુદ્ધનો કોઇ અંત જણાઇ રહ્યો નથી. આ યુદ્ધે પશ્ચિમના દેશો અને બિનપશ્ચિમી દેશોને સામસામે લાવીને ઊભા કરી દીધાં છે. આવી સ્થિતિમાં ભારતના અધ્યક્ષપદ હેઠળ યોજાઇ રહેલી જી-20ની વિવિધ મિનિસ્ટરિયલ બેઠકો પણ ઉચાટભરી જ રહી છે. રશિયા અને ચીને અપનાવેલા આક્રમક વલણને કારણે એકપણ બેઠકમાં સર્વસંમતિથી એકાદ નિવેદન જારી કરવામાં પણ સફળતા મળી નથી. આવી સ્થિતિમાં જિનપિંગ અને પુતિનની ગેરહાજરી સ્પષ્ટ સંકેત આપે છે કે રશિયા અને ચીન કોઇપણ પ્રકારના સર્વસંમત નિવેદનમાં સામેલ થશે. એ વાતમાં કોઇ શંકા નથી કે 9 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા જી-20 શિખર સંમેલનમાં પશ્ચિમના દેશોનું પ્રભુત્વ રહેશે. તેમ છતાં આ સંમેલન નિષ્ફળ જવાથી પશ્ચિમના દેશો અને બિનપશ્ચિમી સત્તાઓ વચ્ચેની ખાઇ વધુ પહોળી બનશે અને વૈશ્વિક સહકારની સંભાવનાઓ ઘટી જશે. આ સંમેલનમાં સહમતિ સાધવામાં નિષ્ફળતા મળશે તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનિતિક વિશ્વસનિયતા અને ક્ષમતાઓને પણ નુકસાન થશે. જો લીડર્સ સમિટ નિષ્ફળ જશે તો નવી દિલ્હી અને વિશેષ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજદ્વારી અને રાજનીતિક આંચકાનો સામનો કરવો પડશે. ભારતે અત્યાર સુધી યુક્રેન પરના રશિયાના આક્રમણને વખોડ્યું નથી ત્યારે તેણે જોઇન્ટ સ્ટેટમેન્ટ માટે જી-20ના નેતાઓને મનાવવા પડશે જે રશિયા અને ચીનના વલણને જોતાં મોટો પડકાર બની રહેવાની સંભાવના છે. 2022માં બાલી ખાતે યોજાયેલા શિખર સંમેલન બાદ રશિયા અને ચીને તેમનું વલણ કઠોર બનાવ્યું છે. બાલીમાં ઇન્ડોનેશિયન પ્રમુખ જોકો વિડોડો છેલ્લી ઘડીએ જોઇન્ટ સ્ટેટમેન્ટ માટે સમિટના આગેવાનોને મનાવી શક્યાં હતાં. ભારત પણ આશા રાખે છે કે વૈશ્વિક નેતાઓ છેલ્લી ઘડીએ જોઇન્ટ સ્ટેટમેન્ટ માટેનો રસ્તો શોધી કાઢશે. તે સમયે રશિયા અને ચીનનું વલણ આટલું આકરું નહોતું. હવે તેઓ બાલીના સ્ટેટમેન્ટની ભાષાનો ઉપયોગ કરવા માટે પણ તૈયાર નથી. તેનો સીધો સંકેત પુતિન અને જિનપિંગની ગેરહાજરી આપે છે. જી-20ના અધ્યક્ષ તરીકે ભારતના માથે સર્વસંમત નિવેદન જારી કરાવવાની મોટી જવાબદારી છે. તેમાં નિષ્ફળતા ભારતની શાખને હાનિ પહોંચાડી શકે છે.


