બ્રિટનમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવિ અંધકારરૂપ બની રહ્યું છે. કોરોના મહામારીએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસનો દાટ વાળ્યા બાદ ગાડી માંડ પાટા પર આવી હતી ત્યાં હવે હલકી ગુણવત્તાના કોંક્રિટથી બનેલી શાળાઓની ઇમારતો જોખમી જણાતા 100 કરતાં વધુ શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. આવી તો 400થી વધુ શાળાની ઇમારતો જોખમી છે અને તેમને પણ ગમે ત્યારે બંધ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બંધ કરાયેલી શાળાઓના વિદ્યાર્થીઓ માટે જાણે કે બીજા એક લોકડાઉનની સ્થિતિ આવી છે. તેમને ક્યાં તો ઓનલાઇન શિક્ષણ લેવું પડશે અથવા તો અન્ય શાળામાં પ્રવેશ મેળવવો પડશે જે વાલીઓ માટે માથાના દુખાવા સમાન બની રહેશે. આટલી મોટી સંખ્યામાં શાળાઓની મરામત ખાસ્સો સમય પણ માગી લેશે તેથી વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડાંની સંભાવના પ્રબળ બની રહી છે. સરકાર હવે લીપાપોતી કરતાં શાળાઓની ઇમારતોની મરામત પર ભાર મૂકી રહી છે પરંતુ અહેવાલો એમ પણ કહે છે કે શાળાઓને અપાતા ભંડોળમાં 50 ટકા જેટલો કાપ મૂકી દેવાયો હતો જેના પગલે આ સ્થિતિનું નિર્માણ થયું છે. આમ પણ આ વર્ષે કોરોના મહામારી પહેલાંના સ્તરે એ-લેવલ અને જીસીએસઇના પરિણામ જાહેર કરાતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ટોચના ગ્રેડથી વંચિત રહ્યાં છે. એવું લાગી રહ્યું છે કે બ્રિટનના વિદ્યાર્થીઓના ખરાબ દિવસો ચાલી રહ્યાં છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે ઘણા વિદ્યાર્થીઓના જીવન પર અસર પડી હતી તેમાં હવે આ પ્રકારની સમસ્યાઓ તેમના શિક્ષણ કાર્યને વધુ મુશ્કેલ બનાવી રહી છે.


