સંસદના વિશેષ સત્રના આયોજનથી રાજકીય અટકળોની ભરમાર

Wednesday 06th September 2023 06:13 EDT
 

મોદી સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદનું પાંચ દિવસનું સત્ર બોલાવવાની જાહેરાત કરીને ભારતના રાજકીય વતૃળોમાં ભારે કૂતૂહલ સર્જી દીધું છે. સરકારના આ નિર્ણયને પગલે લોકસભાની ચૂંટણી વહેલી યોજાય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. સરકાર તો એમ કહી રહી છે કે અમે અમૃતકાળ પર સંસદમાં ફળદાયી ચર્ચા ઇચ્છીએ છીએ પરંતુ સરકારનો આ વિશેષ સત્ર પાછળનો મૂળ એજન્ડા શું છે તે અંગે કોઇ ખુલીને ફોડ પાડી રહ્યું નથી. સરકારના ટોચના મંત્રીઓ અને અધિકારીઓ પણ આ મામલે માથું ખંજવાળી રહ્યાં છે અને કાંઇ કહેવાની સ્થિતિમાં નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોંકાવી દેનારી જાહેરાતો માટે જાણીતા છે. કોરોનાકાળમાં લોકડાઉન, નોટબંધી કે જીએસટી દરેક નિર્ણય વખતે નરેન્દ્ર મોદીએ દેશને ચોંકાવી જ દીધો હતો. હવે આ પાંચ દિવસના વિશેષ સત્રમાં તેઓ કેવા પ્રકારના ચોંકાવનારા નિર્ણયો કરશે તે તો સમય જ બતાવશે પરંતુ વિપક્ષનો આરોપ છે કે વિપક્ષની મજબૂત બની રહેલી એકતા અને અદાણી સામેના આરોપોથી ધ્યાન અન્યત્ર દોરવા માટે સરકાર આ પ્રકારના હથકંડા અજમાવી રહી છે. કંઇક મોટું થવાના સંકેતો એ વાત પરથી મળી રહે છે કે સરકારે તેના ઉચ્ચ અધિકારીઓને વિશેષ સત્ર દરમિયાન કોઇપણ પ્રવાસનું આયોજન ન કરવાની સૂચના આપી છે. સરકારી સૂત્રોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે લોકસભાની ચૂંટણીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ યોજી દેવામાં આવે. તાજેતરમાં જ સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયું છે અને નવેમ્બરમાં સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થાય છે આવી સ્થિતિમાં ઉતાવળે વિશેષ સત્રના આયોજનથી અનેકવિધ અટકળો શરૂ થઇ છે. કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે સરકાર આ પાંચ દિવસીય સત્રમાં વન નેશન વન ઇલેક્શનનો ખરડો પસાર કરાવીને એક કાંકરે અનેક પક્ષીનો શિકાર કરવા માગે છે. આ માટે સરકારે આનન ફાનનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામ કોવિંદના નેતૃત્વમાં એક પેનલની રચના પણ કરી દીધી છે. સરકાર અત્યાર સુધીના તેમના એજન્ડામાં અધુરાં રહેલા કામો આ વિશેષ સત્રમાં પૂરાં કરી લોકસભાની ચૂંટણીઓ વહેલી યોજવાનો પ્રયાસ કરી શકે છે. વન નેશન વન ઇલેક્શન વડાપ્રધાન મોદીનું મોટું લક્ષ્યાંક છે. તે ઉપરાંત તેઓ દાયકાઓથી ખોરંભે ચડેલો મહિલા અનામત ખરડો પસાર કરાવીને આગામી ચૂંટણીમાં મહિલા મતો અંકે કરવાનો પણ પ્રયાસ કરી શકે છે. હાલ ભારત વિવિધ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે. ચંદ્રયાન-3ની સફળતા, ભારતનો વધી રહેલો વિકાસ દર, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો વધેલો દબદબો જેવા પાસા નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણી વહેલી યોજવા માટે પ્રેરી રહ્યાં હોય તેમ પણ લાગી રહ્યું છે.


comments powered by Disqus