ચહેરા પરના ડાઘ છુપાવવા મેકઅપનો ઉપયોગ કરવામાં આવે છે એ રીતે આઈ મેકઅપ દ્વારા આંખને પણ બોલ્ડ અને બ્યૂટીફુલ બતાવી શકાય છે. આંખને એક્સપ્રેસિવ બતાવવા માટે આઈ મેકઅપમાં કલર્સ સામેલ કરો. સામાન્ય રીતે આપણે બ્લેક અને બ્રાઉન આઇલાઇનરનો સૌથી વધારે ઉપયોગ કરતાં હોઇએ છીએ. આ વખતે બ્લેક, બ્રાઉન આઇ લાઇનર તથા કાજલની જગ્યાએ કલરફુલ પેન્સિલ કે લિક્વિડ આઈ લાઈનર્સનો ઉપયોગ કરી શકો છો.
ટ્રેન્ડી આઇ મેકઅપની શરૂઆત સાધારણ કલર્ડ પેન્સિલ કે લિક્વિડ આઇ લાઇનરથી કરો. આ પછી રેગ્યુલર બ્લેક કે ડાર્ક બ્રાઉન કલર કે કાજલને બદલે કોઇ પોપ કલરથી વોટરલાઇનને ભરો. છેલ્લે આંખની પાંપણ પર મસ્કરા લગાવીને આઈ મેકઅપ પૂર્ણ કરો. જો તમે લાઇટ આઇ લાઇનરનો ઉપયોગ કરી રહ્યાં છો તો એક બ્રાઇટનિંગ આઇ પ્રાઈમર કે કોઈ વ્હાઈટ કે બ્રેઝ પેન્સિલને બેઝ લાઈન પર લગાવીને સારી રીતે બ્લેન્ડ કરો. એ પછી કલર લગાવો, જેથી તમારો મનગમતો કલર ઊપસી આવે.
• આઇ પ્રાઇમરઃ ફેસ પર મેકઅપ કરતા પહેલાં જેમ આઈ પ્રાઈમરનો ઉપયોગ કરવામાં આવે છે એવી જ રીતે આઈ મેકઅપ કરતા પહેલાં આઈ પ્રાઈમર વપરાય છે. મોટાભાગના લોકોની આઇલિડ્સ ઓઈલી હોય છે, તેથી આઇ મેકઅપ કરતાં પહેલાં હંમેશાં આઈ પ્રાઈમરનો ઉપયોગ કરો, જેથી આઈ મેકઅપ સ્પ્રેડ ન થાય. આઇશેડો વેકસી હોય છે અને પ્રાઇમર એક્સેસિવ ઓઇલને શોષે છે, જેથી આઈ મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે. જો તમે હેવી આઈ મેકઅપ ન કરી રહ્યાં હોવ તો પ્રાઇમરને બદલે થોડું કન્સીલર લગાવી શકો.
• પ્રાઇમરનો ઉપયોગઃ ચહેરા ઉપર મેકઅપ કરો કે આંખ ઉપર, બંને જગ્યા પર પ્રાઈમર ઓછું જ લગાવો. વધારે પ્રાઈમર લગાવવાથી આડઅસર થઈ શકે છે. આઈ મેકઅપ લગાવતા પહેલાં આઈ એરિયા, આંખનો આકાર અને મેકઅપ લગાવવાની જગ્યાને ધ્યાનથી જોઈ લો. જેમની આંખ નાની હોય તેમણે લાઈટ રંગોનો ઉપયોગ કરવો જોઇએ, જેથી આંખ થોડી મોટી લાગે. નાની આંખ પર ડાર્ક સ્મોકી આઈ મેકઅપ કરવાનું ટાળવું જોઈએ. ડાર્ક રંગ આંખની આસપાસના એરિયાને હાઇલાઇટ કરે છે, પરિણામે આંખ નાની લાગે છે. આઈ લાઈનર આઈલિડ્સની જરાક ઉપર લગાવવા માટે છે એ વાતનું ધ્યાન રાખો. ઘણા આઇલિડ્સ શરૂ થાય એની નીચે અથવા આઇલિડ્સની બરાબર ઉપર જ આઇ લાઇનર લગાવે છે. આઈ લાઈનરમાં રહેલું કેમિકલ ક્યારેક આંખમાં જઈને નુકસાન કરી શકે છે. કાજલને આંખના વોટરલાઇન પર લગાવવી જોઇએ. આંખ પહોળી કરીને છેક અંદર કાજલ ન લગાવવું જોઈએ.
ઘણી વખત કંપનીઓ એવો દાવો કરતી હોય છે કે કલર્ડ આઈ લાઈનર આઇલિડ્સ અને વોટરલાઈન બંને પર લગાવી શકાય છે. એટલે એક આઈ લાઈનર ટુ ઈન વનનું કામ કરે છે, પરંતુ એવું નથી. આ અલગ અલગ જગ્યા પર ઉપયોગમાં લઈ શકાય એવી અલગ પ્રોડક્ટ્સ છે. એનો ઉપયોગ એ જ રીતે કરવો જોઈએ.


