ભારતીય સંસ્કૃતિમાં લગ્નસિઝન એ સૌથી રંગીન અને ઉત્સાહભર્યો સમય છે. આ સમયે મહિલાઓ માટે સાડી એક અનિવાર્ય વસ્ત્ર છે જે તેમની સુંદરતાને નિખારે છે, અને પરંપરાને શોભાવે છે. સાડી નામ ભલે એક હોય, પરંતુ તેની ઓળખ અલગ અલગ છે. સાડી અનેકવિધ પ્રકારની હોય છે, જેમાં કેટલીક પરંપરાગત છે તો કેટલીક આધુનિક ફ્યુઝન સ્ટાઇલની હોય છે. તો આવો, આજે આપણે જાણીએ સાડીના કેટલાક બહુ જ જાણીતા પ્રકાર વિશે...
• બનારસી સાડીઃ બનારસી સાડીઓ તેના નામ પ્રમાણે જ ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી આવે છે અને તે જરી વર્ક તથા સિલ્ક ફેબ્રિક માટે જગવિખ્યાત છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. આ સાડીઓમાં સોના અને ચાંદીના તારથી કરેલા બુટ્ટા અને મોટિફ્સ હોય છે. જેમાં પેઇસ્લી, ફ્લોરલ અને પશુપંખીના આકારો સામાન્ય છે. લગ્ન સિઝનમાં લાલ, ગુલાબી અને ગોલ્ડન કલરની બનારસી સાડીઓ વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે તે બ્રાઇડલ લુકને રોયલ અને વૈભવી બનાવે છે. પહેરવાની રીતની વાત કરીએ તો, તેને નોર્મલ ડ્રાપિંગ સ્ટાઇલમાં પહેરી શકાય છે, જેમાં પલ્લુને ખભા પરથી લટકાવીને બ્લાઉઝ સાથે મેચ કરવામાં આવે છે. આ સાડીઓની પૂરતી સંભાળ લેવી જરૂરી છે. તેને વોશિંગ મશીનમાં ધોવાના બદલે ડ્રાય ક્લીન કરાવવી જરૂરી છે.
• કાંજીવરમ સાડીઃ તમિલનાડુની આગવી ઓળખ એવી કાંજીવરમ સાડીઓનું મુખ્ય મથક છે કાંચીપુરમ. આ સાડીઓ પ્યોર સિલ્કની સાડીઓ છે, અને તેમાં જરી વર્ક અને કોન્ટ્રાસ્ટ બોર્ડર હોય છે. કાંજીવરમ સાડીઓની વિશેષતા એ છે કે તેમાં ત્રણ પ્રકારના સિલ્ક તારનો ઉપયોગ થાય છે, જે તેને મજબૂત અને ચમકદાર બનાવે છે. લગ્નપ્રસંગે પીળા, લીલા અને મરુન કલરની કાંજીવરમ સાડીઓ શ્રેષ્ઠ ગણાય છે. તેને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં પહેરી શકાય, જેમાં પ્લીટ્સને આગળની તરફ રાખીને પલ્લુને પીઠ પરથી લાવવામાં આવે. આ સાડીઓ ભારે હોય છે અને તેમની સંભાળ માટે સ્પેશિયલ કેર જરૂરી છે.
• બાંધણી સાડીઃ ગુજરાત અને રાજસ્થાનની બાંધણી સાડીઓ ટાઇ એન્ડ ડાય ટેકનિકથી બનાવવામાં આવે છે. આમાં ફેબ્રિકને વિવિધ ડિઝાઇન અનુસાર ગાંઠો બાંધીને રંગવામાં આવે છે, અને જેનાથી વિવિધ પેટર્ન જેમ કે લહેરિયા, ચુનરી અને એકરંગી બાંધણી તૈયાર થાય છે. લગ્ન સિઝનમાં, વાઇબ્રન્ટ ક્લર્સ જેમ કે લાલ, પીળી અને ગુલાબી બાંધણી સાડીઓ મહેંદી અને સંગીત જેવા કાર્યક્રમોમાં પહેરાય છે. તેને ગુજરાતી સ્ટાઇલમાં જેમાં સીડ પ્લીટ્સ અને આગળના પલ્લુ સાથે પહેરી શકાય. આ સાડીઓ હળવી અને આરામદાયક હોય છે, જે ડાન્સ અને ફેસ્ટિવલ માટે પરફેક્ટ છે.
• ચંદેરી સાડીઃ ચંદેરી સાડીઓ તેના નામ પ્રમાણે જ મધ્ય પ્રદેશના ચંદેરીથી આવે છે અને તેના કાપડમાં સિલ્ક અને કોટનનું મિશ્રણ હોય છે. હળવું વજન અને ટ્રાન્સપરન્ટ ટેક્સ્ચર તેમને ડે-ટાઇમ વેડિંગ માટે આદર્શ બનાવે છે. ફ્લોરલ મોટિફ્સ અને ગોલ્ડન બોર્ડરવાળી ચંદેરી સાડીઓ પેસ્ટલ ક્લર્સમાં વધુ પસંદ કરાય છે. તેને બંગાળી સ્ટાઇલમાં પલ્લુને આગળથી લાવીને પહેરી શકાય.
• પૈઠણી સાડીઃ પૈઠણી સાડીઓ મહારાષ્ટ્રની અનેરી ઓળખ છે એમ કહીએ તો તેમાં જરાકેય અતિશ્યોક્તિ નથી. પૈઠણી સાડીમાં પીકોક અને પરંપરાગત મોટિફ્સ હોય છે. સિલ્ક ફેબ્રિક અને જરી વર્ક આ સાડીને વૈભવી બનાવે છે. લગ્નપ્રસંગે પર્પલ અને ગ્રીન કલરની પૈઠણી વરની માતા માટે બેસ્ટ ચોઇસ છે. તેને મરાઠી સ્ટાઇલમાં પહેરો, જેમાં લાંબા પ્લીટ્સ હોય.
• લહેંગા સાડીઃ આધુનિક ટ્રેન્ડની વાત કરીએ તો, લહેંગા સાડીઓ ખૂબ પોપ્યુલર છે. આ એક હાઇબ્રિડ સ્ટાઇલ છે, જેમાં સાડીને લહેંગા જેવી રીતે પહેરવામાં આવે છે. તેમાં પ્રી-પ્લીટેડ સ્કર્ટ અને પલ્લુ હોય છે, જે સિલ્ક, જ્યોર્જેટ અથવા નેટ ફેબ્રિકમાં ઉપલબ્ધ છે. લગ્નમાં, એમ્બ્રોઇડરી અને સિક્વન્સ વાળી લહેંગા સાડીઓ કોકટેલ પાર્ટી અને રિસેપ્શન માટે એકદમ યોગ્ય છે. આ પ્રકારની સાડી પહેરવી સરળ હોવાથી આધુનિક યુવતીઓની પહેલી પસંદ છે. આ સાડીને ફક્ત કમરમાંથી બાંધીને પલ્લુને ડ્રેપ કરવાનો હોય છે. લહેંગા સાડીને હેવી જવેલરી સાથે પેર કરીને તમે તમારી સુંદરતાને ઔર નિખારી શકો છો.
અન્ય આકર્ષક સાડીઓ...
• પટોળા સાડીઓ ગુજરાતની છે અને ડબલ ઇક્કત વિવિંગથી બનાવાય છે. તેમાં જ્યોમેટ્રિક પેટર્ન અને વાઇબ્રન્ટ કલર્સ હોય છે. લગ્ન સિઝનમાં, તે હલ્દીથી લઇને ગરબા સુધીના દરેક પ્રસંગ માટે પરફેક્ટ છે. આ લાખેણી સાડીની વિશેષતા એ છે કે તેમાં બન્ને તરફ એક જ પ્રકારની ડિઝાઇન જોવા મળે છે.
• ઓર્ગેન્ઝા સાડીઓ આધુનિક છે અને તેમાં શીયર ફેબ્રિક હોય છે. એમ્બ્રોઇડરી વાળી ઓર્ગેન્ઝા સાડીઓ ઇવનિંગ ઇવેન્ટ્સ માટે તમે પસંદ કરી શકો છો. તમારા વ્યક્તિત્વને અનોખો લુક આપતી આ સાડીને બેલ્ટ સાથે પહેરી શકાય.
• જ્યોર્જેટ સાડીઓ હળવી અને ફ્લોઇંગ છે, જેમાં પ્રિન્ટ અને એમ્બ્રોઇડરી હોય છે. તેને કેઝ્યુઅલ વેડિંગ ફંક્શન્સ માટે પસંદ કરી શકાય છે.
• નેટ સાડીઓ ગ્લેમરસ છે અને તેમાં સીક્વન્સ અને લેસ વર્ક હોય છે. તેને લગ્નપ્રસંગે રિસેપ્શન માટે પહેરી શકાય.
આ તમામ સાડીઓમાંથી પસંદગી કરતી વખતે, તમારા બોડી ટાઈપ, કાર્યક્રમના પ્રકાર અને વેધરને અચૂક ધ્યાનમાં રાખો. હેવી સાડીઓને હેવી જ્વેલરી સાથે અને હળવી સાડીઓને મિનિમલ એક્સેસરીઝ સાથે પેર કરો. લગ્ન સિઝનમાં સાડીઓ તમને પરંપરા અને ફેશનના સંગમમાં ચમકાવશે.


