આ વિશ્વના શક્તિશાળી દેશો એક જ સૂરમાં જાહેર કરતા રહે છે કે તેઓ ગરીબીને નાબૂદ કરવા માગે છે. યુએન પણ સામૂહિક ઈચ્છા સાથે નિવેદન આપે છે કે તે ગરીબીનાબૂદી હાંસલ કરીને રહેશે જોકે, દર વખતે અપડેટ નિવેદન જાહેર કરે છે ત્યારે તેની ટાઈમલાઈન બદલાતી જ રહે છે તે અલગ બાબત છે! આપણે જ્યારે 21મી સદીમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે સવાલ એ ઉભો થાય છે કે માનવજાતે જે અન્યાય-અપરાધ કર્યાં છે તેને સુધારવાની દિશામાં કોઈ સાચા પ્રયોજન કે ગતિ જોવાં મળે છે ખરાં?
આપણે કેટલીક સીધીસાદી હકીકતો વિચારીએ. શું તમે જાણો છો કે વર્લ્ડ બેન્ક અનુસાર વિશ્વમાં સૌથી ઊંચા ગરીબીદર ધરાવતા દેશો કયા છે. તો જરા નજર કરોઃ
દેશગરીબીની ટકાવારી %
1. સાઉથ સુદાન 82.30
2. ઈક્વેટોરિયલ ગીનિ 76.80
3. માડાગાસ્કર 70.70
4. ગીનિ-બિસાઉ 69.30
5. એરિટ્રીઆ 69.00
6. સાઓ ટોમે એન્ડ પ્રિન્સિપે 66.70
7. બુરુન્ડી 64.90
8. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો 63.90
9. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક 62.00
10. ગ્વાટેમાલા 59.30
સૌથી ગરીબ (મલ્ટિનેશનલ પોવર્ટી ઈન્ડેક્સ 2023--UNDP) કોણ છે?
તીવ્ર ગરીબી ધરાવતા 485 મિલિયન ગરીબ લોકો 110 દેશોમાં વસે છે અને ભારિત અભાવોના 50થી 100 ટકા અભાવનો અનુભવ કરે છે.
99 મિલિયન ગરીબો તમામ ત્રણ પરિબળોમાં અભાવનો અનુભવ કરે છે. (ભારિત અભાવોના 70થી 100 ટકા).
અભાવોનો સૌથી ઊંચો (90-100 ટકા) સ્કોર ધરાવતા 12મિલિયન ગરીબોમાંથી 10 મિલિયન ગરીબો સબ-સહારાન આફ્રિકામાં વસે છે.
કયા જૂથો સૌથી વધુ ગરીબ છે?
સબનેશનલ પ્રદેશો બે રીતે પાછળ રાખી દેવાય છેઃ જ્યાં ગરીબી અતિ વ્યાપક છે, ગરીબી પણ સૌથી કઠોર- અત્યાધિક છે.
1.1 બિલિયન ગરીબ લોકોના અડધાઅડધ ( 566 મિલિયન) ગરીબ તો 18 વર્ષથી ઓછી વયના બાળકો છે.
તમામ ગરીબ લોકોમાં 84 ટકા ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. વિશ્વના દરેક વિસ્તારમાં શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારો વધુ ગરીબ હોય છે.
શું તમે જાણો છો કે દરરોજ 25,000 બાળકોનું આશ્રય, સલામત જળ, મેડિસિન અથવા ખોરાકના અભાવે મોત થાય છે? આ તો દરરોજ એક નાના નગરની કુલ વસ્તીને ગુમાવી દેવા સમાન છે.
આપણે માનવતા ક્યારે ગુમાવી દઈએ છીએ?
શું ત્યારે જ કે જ્યારે સામ્રાજ્યના નિર્માતાઓ એવી લાગણી અનુભવે છે કે તેઓ જ માનવજાતને અણમોલ ભેટ છે? અથવા તો ત્યારે કે જ્યારે સમૃદ્ધ દેશોએ એવો નિર્ણય કર્યો કે દુનિયાના સૌથી વધુ લોકો દીન-હીન ગરીબાઈની અવસ્થામાં સબડતા રહે તેની ચોકસાઈ રાખવામાં જ તેમના આર્થિક હિતો સમાયેલા છે? શું ત્યારે કે સામૂહિક વિનાશના શસ્ત્રો ધરાવનારાઓ એ એવો નિર્ણય લીધો કે તેઓ કુદરતી કાનૂનથી પણ ઉપર છે અને ઈશ્વરની માફક જ કાર્યો કરી શકે છે? અથવા તો ત્યારે કે જ્યારે સમૃદ્ધ અને શક્તિશાળી દેશોએ એવો નિર્ણય લીધો કે તેમના સામૂહિક અપરાધબોધને વ્હાઈટવોશ કરવા માટે કોન્સર્ટ, અથવા તો કોમેડી ઈવેન્ટ અથવા સ્પોર્ટ્સ ઈવેન્ટ યોજવાનું પૂરતું છે?
આપણે જ્યારે અત્યાર સુધી જાણતા ન હોઈએ તે પ્રમાણમાં પોતાનું પેટ દાબીને ભરીએ છીએ (અને આમાં તો બાજુની વ્યક્તિની સાથે હું પણ આવો અપરાધી છું) ત્યારે તમે જાણો છો કે આશરે 2000 બાળકો દરરોજ ડાયેરીઆના પરિણામે મોતને ભેટે છે? વિશ્વનો GDP 2023માં USD 112.6 ટ્રિલિયન (112, 600, 000, 000, 000 અમેરિકી ડોલર) છે. વિશ્વ દર વર્ષે મિલિટરી પાછળ 2.24ટ્રિલિયન યુએસ ડોલરનો ખર્ચ કરે છે. વિશ્વમાંથી ગરીબી હટાવવી હોય તો પેલા મિલિટરી ખર્ચાના માત્ર 10 ટકા કિંમત જ વિશ્વે ખરચવી પડે!
તો આવી ખરાબ પરિસ્થિતિ માટે કોના પર દોષારોપણ કરી શકાય? જવાબ સીધો છે, આપણા બધા પર. આપણે બધા ઘણી વખત જવાબદારીમાંથી છટકી જવા માટે એમ કહેતા રહીએ છીએ કે,‘આમાં હું શું કરી શકું?’ વિશ્વમાં લગભગ 70 ટકા લોકો ઈશ્વરને મહાન સત્તા તરીકે માને છે. આમ છતાં, આપણે એવો પ્રશ્ન કદી કરતા નથી કે, ‘કયા ઈશ્વરે આપણને એવો આદેશ કે ઉપદેશ આપ્યો છે કે આપણે ગરીબોનું શોષણ કરીએ, તેમના સ્રોતોની ચોરી કરીએ, અનાજનો બગાડ કરીએ, જળ અને મેડિસિન્સ પર અંકુશ જમાવીએ અને આખરે કોણ જીવશે અને કોણ મોતને શરણ થશે તેનો મનસ્વીપણે નિર્ણય લઈ શકીએ?
એમ લાગે છે કે 21મી સદીનો ઈશ્વર નાણું અને તાકાત જ છે. જો તમારી પાસે આ બંને હોય તો પછી ઈશ્વરની જરૂર જ શું છે! મહાત્મા ગાંધીએ કહ્યું છે કે,‘તમારે માનવજાતમાંથી વિશ્વાસ ગુમાવવો ન જોઈએ. માનવજાત-માનવતા એક મહાસાગર છે, જો આ મહાસાગરના થોડાં ટીપાં ખરાબ કે ગંદા હોય તેથી મહાસાગર ગંદો થઈ જતો નથી.’
મને ડર છે કે આ થોડાં ટીપાં હવે પૂર બની ગયાં છે. લાલચ અને સત્તાનું વિષ આપણી સામાન્ય માનવજાતના મહાસાગરને પણ ઝેરીલો બનાવી શકે છે. સત્તા અને સ્રોતો વૈશ્વિક પરિવર્તનને કેવી રીતે પ્રભાવિત કરી શકે તેનો આધાર માનવજાત પર રહેલો છે. આપણે માનવીને માનવજાતના કેન્દ્રમાં મૂકીએ તે આવશ્યક બની ગયું છે.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


