તમારા કેટલા પૂર્વજોના નામની તમને જાણકારી છે?

કપિલ દૂદકીઆ Tuesday 05th September 2023 12:19 EDT
 
 

તાજેતરમાં અમારા પરિવારમાં મારા કાકાના અવસાનના દુઃખદ સમાચાર આવ્યા હતા. વાંચકોને તો જાણકારી હશે જ કે અવસાન પછી કેટલીક ‘વિધિ’ કરવામાં આવે છે જેમાં, છેલ્લે બારમાની વિધિ તરીકે એટલે કે અવસાનના 12મા દિવસની વિધિ થતી હોય છે. આ વિધિ દરમિયાન મહારાજ (કર્મકાંડના પૂજારી)એ અમારા પૂર્વજો વિશે જાણકારી માગી. સારા નસીબે મારા પિતાની મદદથી અમે કેટલીક પેઢીઓ સુધી પૂર્વજોના નામ આપી શક્યા હતા. આ સપ્તાહમાં જ મારી સીબી પટેલ સાથે વાત થઈ ત્યારે તેમણે આપણી વંશાવળી અને આપણી કોમ્યુનિટીમાં તેની પ્રસ્તુતતા વિશે આવો જ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો હતો કે આપણી કોમ્યુનિટીમાંથી કેટલા લોકો તેમના પૂર્વજોના નામ જણાવી શકે તેમ છે અને કેટલી પેઢી સુધી નામાવલિ યાદ રાખી શક્યા હોય? આ પ્રશ્ને મને વિચારતો કરી દીધો અને મેં મારા પરિવારના ઈતિહાસ અને વારસા વિશે શોધખોળની મારી અંગત યાત્રાની શરૂઆત કરી દીધી છે.

હું તમારા બધા સમક્ષ એક પડકાર મૂકું છું. તમે તમારી વંશાવળીમાં કેટલી પેઢી સુધીના નામ યાદ જણાવી શકો છો?

યુકેમાં ભારતીયોના બે વિશિષ્ઠ જૂથો છે. એક જૂથ 100 કરતાં વધુ વર્ષ પહેલા ભારત છોડી વિશ્વના અન્ય ઘણા દેશોમાં અને ખાસ કરીને મોટા ભાગના લોકો આફ્રિકાના પૂર્વીય કાંઠા પર સ્થાયી થયા હતા. સામાન્ય રીતે આ જૂથ માડાગાસ્કર, માલાવી, ટાન્ઝાનિઆ, યુગાન્ડા, કેન્યા, યેમેન, ઓમાન, સાઉથ આફ્રિકા અને મોરેશિયસ જેવા એક કે તેથી વધુ દેશોમાં પહોંચ્યું હતું. આ જૂથનો પ્રવાસ હળવો રહ્યો હતો અને તેમણે નવા દેશો, નવી સંસ્કૃતિઓ અને નવી ભાષાઓ પ્રત્યે અત્યંત સ્થિતિસ્થાપક રહેવાનું હતું તેમજ તેમની પાસે પોતાના પરિવારો માટે સારું જીવન બનાવવા માટે તમામ પ્રકારના પૂર્વગ્રહો સામે લડવાની ચારિત્ર્યશક્તિ હતી. દરેક નવી પેઢી આવતી ગઈ તેમ ભારતમાં રહેલા વતનમાં તેમના પરિવારો સાથે તેમનો સંપર્ક ઘટતો ગયો તેમજ તેમના ઈતિહાસ અને વિરાસતના સ્મરણોને સતત નવપલ્લવિત કરી શકે તેવો કોમ્યુનિટી સાથે રોજબરોજના આદાનપ્રદાન કે વ્યવહાર પણ ઘટતો ગયો. તેમણે પોતાનો ધર્મ- આસ્થા, તેમની સંસ્કૃતિ અને ભાષાને પણ જાળવી રાખ્યા પરંતુ, ભારતથી ઘણા દૂર હોવાનો અર્થ એ હતો કે તેમણે કશુંક છોડવું પડ્યું હતું. આથી, આ ગ્રૂપના લોકો તેમની કેટલી પેઢીઓને યાદ રાખી શક્યા હશે તે જાણવાનું ભારે રસપ્રદ બની રહેશે.

બીજું ગ્રૂપ ગત 30 વર્ષ કે આસપાસના ગાળામાં યુકે આવેલા લોકોનું છે. તેઓ યુકેના એવા વાતાવરણમાં આવ્યા છે કે અગાઉની સરખામણીએ લઘુમતીઓ માટે ઘણું સારું વાતાવરણ છે. તેમની પાસે ભારતસ્થિત પરિવાર સાથે પણ સૌથી અપ-ટુ-ડેટ સંપર્કો રહ્યા છે. તેમના રોજબરોજના કામકાજમાં સહાયરૂપ બની રહે તેવા અત્યાધુનિક કોમ્યુનિકેશન્સની તાકાત પણ તેમની પાસે છે. આથી હું એવી અપેક્ષા રાખી શકું કે મોટા ભાગના પાસે તેમની વંશાવળી બાબતે મજબૂત પકડ કે પ્રભુત્વ હશે.

આ તપાસમાં સંચાર વ્યવસ્થા ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. અગાઉના દિવસોમાં સંપર્ક કરવા માટે વ્યક્તિએ સી મેઈલ (હા, તમે બરાબર જ વાંચ્યું છે) મારફત પત્ર મોકલવાનો રહેતો હતો જેને તેના સરનામે પહોંચવામાં સપ્તાહો લાગી જતા હતા. તત્કાળ આમનેસામને વાતચીત-કોમ્યુનિકેશન કરી શકાય તેવી કોઈ વ્યવસ્થા જ ન હતી. હવાઈ સેવાનું આગમન થયું ત્યારે એર મેઈલ વ્યવસ્થા શરૂ કરાતા પરિસ્થિતિ વધુ બહેતર બની હતી. જોકે, આ સેવા સી મેઈલ કરતાં વધુ ઝડપી હોવાં છતાં, સ્વાભાવિક રીતે જ તે તત્કાળ આમનેસામને કોમ્યુનિકેશન ન હતું. યુકેમાં 60’, 70’ અને 80’ના દાયકાઓમાં પરિવારોમાં તેમની પોતાની ફોન લાઈન હોય તે ઘણું દુર્લભ હતું. જો તમારી પાસે ફોન લાઈન હોય તો પણ ભારતમાં વિશાળ બહુમતી લોકો કોઈ પણ ફોનસુવિધાની પહોંચ ધરાવતા ન હતા. મને એ દિવસો યાદ છે જ્યારે તમે ભારતમાં ફોન ધરાવતા કોઈ પડોશીને ફોન કરતા અને સગાંસંબંધીને કોઈ ચોક્કસ સમયે બોલાવી રાખવા વિનંતી કરતા હતા. તમે તે સમયે જ ફોન કરતા અને ઈન્ટરનેશનલ કોલ્સની કિંમત એટલી ઊંચી હતી કે ગણતરીની મિનિટોમાં વાતચીત પૂરી કરી દેવાનો પ્રયાસ કરાતો હતો.

આજની જનરેશન પાસે તો પોતાના મોબાઈલ સ્માર્ટફોન્સ અને 24/7/365 ની કનેક્ટિવિટી-સંપર્કક્ષમતા હોય છે ત્યારે મને શંકા થાય છે કે અગાઉની પેઢીએ શું અને કેટલું સહન કરવું પડ્યું હશે તેની તેમને જરા પણ કલ્પના નહિ આવે. જો તેમના ફોન્સ થોડી મિનિટ્સ માટે પણ કામ કરતા બંધ થાય તો તેઓ નાસીપાસ થઈ જાય છે, એકદમ ગભરાટની સ્થિતિમાં પહોંચી જાય છે અને તેઓ જે રીતે પોતાની હતાશા કે રોષ અન્યો પર ઠાલવે છે તે બધા નિહાળી શકે છે. જો થોડા દિવસ સુધી તેમની ફોનની સુવિધા બંધ થઈ જાય તો તેઓ ડિપ્રેશનમાં આવી જાય છે.

તો તમારા બધા માટે આ એક ચેલેન્જ છે કે તમે તમારી વંશાવળીમાં કેટલા પૂર્વજો કે પેઢી સુધી પહોંચી શકો છો? મને શંકા છે કે તમારામાંથી ઘણા કદાચ પરિવારના પૂર્વજ પુરુષ સભ્યોના નામની યાદી બનાવી શકશે પરંતુ, તમે મહિલા સભ્યોના નામની યાદી પણ બનાવી શકશો? જો ઉત્તર ના હોય તો શા માટે નહિ?

હું તમને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને લખી (બને તેટલું ટુંકમાં) જણાવવા આમંત્રિત કરું છું કે અમને તમારા પરિવાર વિશે જણાવો. આપણે બધા આપણા પૂર્વજો વિશે થોડી વધુ માહિતી એકત્ર કરવા પ્રયાસ શરૂ કરીએ. મેં તો શરૂઆત કરી દીધી છે અને આજની પળે હું તમને કહી શકું છું છે મારું નામ કપિલ શાંતિલાલ, અમરતલાલ, રામજી, કુરજી, વાલજી દૂદકીઆ છે. મેં વધુ ત્રણ નામ પણ શોધ્યા છે પરંતુ, તેની ચકાસણી કરવાની હજુ બાકી છે, તેમની સાથે હું મારી આઠ પેઢી વિશે જાણતો થઈશ. હું તમને એક વાત કહેવા ઈચ્છું છું કે માતૃપક્ષ તરફના કે સ્ત્રીઓનાં નામ શોધવાનું ઘણું મુશ્કેલ બની રહ્યું છે. તો તમારો શું અનુભવ છે? તમારી વય અત્યારે કેટલી છે તેને ધ્યાનમાં રાખ્યા વિના જ પ્રશ્નો પૂછવાના શરૂ કરી દો. તમારી આ આત્મશોધ કે ઓળખની યાત્રામાં કેવી અતુલનીય ભેટ તમને પ્રાપ્ત થઈ પણ જાય, શું ખબર?

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter