હું તો ઈઝરાયેલની પડખે છું, તમે કોની પડખે ઉભા છો?

કપિલ દૂદકીઆ Tuesday 24th October 2023 13:54 EDT
 
 

ક્યારેક એવો સમય આવે જ છે જ્યારે આપણામાંથી દરેકે પોતાને પ્રશ્ન પૂછવો પડે છે કે આપણે ખરેખર કોની પડખે ઉભા છીએ અથવા કોની તરફ છીએ? શું આપણે જીંદગીભર નિર્લજ્જ-ઘૃણાસ્પદ અને ખતરનાક ચીજવસ્તુઓ દેખાશે નહિ તેવી આશા સાથે એવાં ઘેરાં રંગીન ગ્લાસીસ કે ચશ્મા પહેરીને ફર્યા કરીશું? એવી આશા રાખીશું કે કોઈ આપણને મુશ્કેલ કે અપ્રિય પ્રશ્નો પૂછશે નહિ, એવી આશા રાખીશું કે આપણે કોઈનો પણ પક્ષ લેવો પડે નહિ. શું એવી આશા રાખીશું કે આપણી આસપાસ ફેલાયેલાં ગાંડપણની આપણને અસર થાય નહિ. બસ... આશા.. આશા.. અને આશા રાખીશું પરંતુ, જીવનમાં કદી એવી સમજ નહિ કેળવીએ કે આપણને ઓછામાં ઓછી ધારણા કે અપેક્ષા હોય ત્યારે જ ઘણી બાબતો નજીક આવીને આપણને બચકાં ભરી લેશે.

હું તો ઈઝરાયેલની પડખે-તરફેણમાં ઉભો છું. હું કહી શકું એટલો જ સ્પષ્ટ છું. મને આમ કહેવામાં જરા પણ મુશ્કેલી જણાઈ નથી. ઘણા લોકોએ મને કાળજી રાખવા જણાવ્યું છે, એવી સલાહ પણ આપી છે કે મારે આવા ઘણા ગૂંચવણભર્યા અને જોખમી મુદ્દાઓ પરત્વે મારો અભિગમ શું છે તે બાબતે આટલા સ્પષ્ટવાદી બનવાની આવશ્યકતા નથી. હું તેમની ચિંતાની અવશ્ય કદર કરું છું પરંતુ, આશ્ચર્ય પણ થાય છે કે ડર રાખીને જીવવાનો અર્થ શું છે? જો જીવનનો સરવાળો કે અર્થ બધાને ખુશ રાખવાનો, ઝૂકી જવાનો, આપણા નૈતિકતા અને આચાર સંબંધિત ધોરણોનો પરિત્યાગ કરવાનો તથા આપણા જીવનની કાળજી રાખવાના કર્તવ્યને ભૂલી જવાનો હોય, તો આ જીવનનો અર્થ જ શું છે?

હું ઈઝરાયેલની પડખે છું કારણકે ઈઝરાયેલના દુશ્મનોની એકમાત્ર ખ્વાહિશ દરેક યહુદીને આ પૃથ્વીના પડ પરથી નેસ્તનાબૂદ કરવાની રહી છે. મને એક બાબત સ્પષ્ટ કરી લેવા દો કે સારો યહુદીવિરોધી જેવી કોઈ જ વસ્તુ નથી. તેમના જીવનનું એકમાત્ર ધ્યેય દરેક યહુદીને જડમૂળથી ઉખાડી નાખવાનું છે. તેઓ લોકોનો નરસંહાર અને વંશસંહાર જ ઈચ્છે છે.

હિટલર તેના લક્ષ્યમાં નિષ્ફળ ગયો હતો કારણકે વિશ્વ જાગી ગયું હતું, ભલે મોડે મોડે પણ જાગ્યું હતું અને હિટલરના વૈશ્વિક સાહસનો બદઈરાદો તેની સમજમાં આવી ગયો હતો. આજના ઈસ્લામિક કટ્ટરવાદીઓ પણ એકસમાન બદઈરાદો કે લક્ષ્ય ધરાવે છે, સમગ્ર પૃથ્વીનું ઈસ્લામમાં ધર્માન્તરણ કરી નાખવાનું ધ્યેય છે અને તેમાં કોઈ જ અપવાદ નથી. વૈશ્વિક ખિલાફત માટેની તેમની બૂમરાણ કે કાગારોળ ધર્માન્તર કરો, વશ થઈ જાઓ અથવા મોતને ભેટોની જ છે.

આજે આપણે જ્યુઈશ કોમ્યુનિટી વિરુદ્ધ આ શેતાની વિચારધારાનું પ્રદર્શન નિહાળી રહ્યા છીએ. કદી પણ એમ ન વિચારશો કે હવે તેઓ તમારી પાછળ નહિ આવે. ભલે તમે ક્રિશ્ચિયન, શીખ, હિન્દુ અથવા બૌદ્ધ કે અધાર્મિક વ્યક્તિ હશો, તેમને કોઈ જ દરકાર નથી. તમે ટોરી છો, સોશિયાલિસ્ટ છો અથવા લિબરલ છો, તેની પણ તેમને કોઈ જ દરકાર નથી. તમે પ્રોડક્ટ્સ કમ્પ્લેઈન્ટ્સ (PC) ફરિયાદી છો, વોક (જાગૃતિના તરફદાર) છો, દેખાવો સરઘસમાં જોડાનારા તેમના જ મિત્ર છો--તેમને કોઈ જ દરકાર નથી. તેમના માટે તો આપણે બધા જ ‘કાફિર’ છીએ.

હું ઈઝરાયેલની પડખે ઉભો છું કારણકે ભારતીય મૂળના બ્રિટિશ હિન્દુ તરીકે હું જાણું છું કે, ઈસ્લામિક કટ્ટરવાદીઓ, માનવતાના આ હત્યારાઓ શું કરવાને સમર્થ છે. તેઓ કાશ્મીર આવ્યા હતા અને ભારતીય કાશ્મીરી પંડિતોના આ જ રીતે નરસંહાર/વંશસંહારો કર્યા હતા.

હું ઈઝરાયેલની પડખે ઉભો છું કારણકે મને યાદ છે કે ISIS દ્વારા 2014માં આ જ પ્રકારની વિચારધારાનો ઉપયોગ કરી હજારો નિર્દોષ યેઝિદીઝની કત્લેઆમ ચલાવાઈ હતી. તેમનું અનુસરણ નહિ કરનારા કોઈના પણ પ્રત્યે ઘૃણા અને અપમાનની આ વિચારધારા ઘણી સદીઓથી ચાલતી આવી છે. તે લાખો લોકોના મોત માટે જવાબદાર છે અને મોતનો આ સંપ્રદાય આજે પણ નવા સ્વાંગમાં ચાલી રહ્યો છે. વિશ્વએ જાગી જવાની અને ઝડપથી જાગી જવાની જરૂર છે નવજાગૃતિની નીતિઓની મૂર્ખતા સમજમાં આવે તે પહેલા લાખો લોકોનો ફરી નરસંહાર થાય તેવી તેની ઈચ્છા છે?

જ્યારે હજારોની સંખ્યામાં લોકો ‘નદીઓથી સમુદ્ર સુધી’ જેવાં સૂત્રોચ્ચારો કરતા સરઘસો કાઢે છે ત્યારે પોલીસ આપણને જણાવે છે કે લંડનની શેરીઓમાં કાયદાઓનો કોઈ જ ભંગ થયો નથી,ત્યારે એક પ્રશ્ન અવશ્ય થાય છે કે તેઓ કયા ગ્રહ પર જીવી રહ્યા છે? યહુદીઓની નેસ્તનાબૂદી ઈચ્છતા પોસ્ટરો આપણે નિહાળીએ છીએ અને છતાં, કોઈ જ કાયદાનો ભંગ થયો નથી? આ દેશનું સૌથી મોટું અપમાન તો એ છે કે કટ્ટરવાદીઓ યહુદીઓ પ્રત્યે તેમના દુર્વ્યવહારનું વિષવમન કરવા લંડનના સેનોટાફ પર કબજો જમાવી દે છે. શું આ દેશ પાગલ થઈ ગયો છે?

જો આવું પાગલપણું ચાલતું જ રહેશે તો મને ભય છે કે સારી બ્રિટિશ જનતા પણ બધી બાબત તેના હસ્તક લઈ લેશે. અને તે વળતો પ્રહાર ભૂકંપીય બની રહેશે. તેની અસર માત્ર કટ્ટરવાદીઓ પર નહિ થાય પરંતુ, દુર્ભાગ્યવશ મોટા ભાગના લોકો તો હમાસની તરફેણમાં સરઘસો કાઢનારા કટ્ટરવાદીઓ અને તેમના જેવા દેખાતા આપણા બાકીના લોકો વચ્ચે તફાવત કરી શકશે નહિ અને તેમણે લોકોના ગેરમાર્ગે દોરાયેલા રોષનો સામનો કરવો પડશે.

હું તો સ્પષ્ટ છું, હું ઈઝરાયેલની પડખે ઉભો છું. તમે કોની પડખે ઉભા છો?

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter