સ્ટેટ ઓફ સીજ 2: ટેમ્પલ એટેક’: અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલાનું તાદશ્ય નિરુપણ

પ્રમુખ સ્વામી મહારાજની સ્વસ્થતા અને સાહજિકતાએ કોમી હિંસાને અટકાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી

પરેશ રુઘાણી Tuesday 05th September 2023 02:15 EDT
 
 

ગુજરાતના ગાંધીનગરસ્થિત સ્વામીનારાયણ સંપ્રદાયના અક્ષરધામ મંદિર પર 2002માં કરાયેલા ત્રાસવાદી હુમલાનું ફિલ્મ ‘સ્ટેટ ઓફ સીજ 2: ટેમ્પલ એટેક’ના ડાયરેક્ટર કેન ઘોષ દ્વારા કરાયેલું ચિત્રણ પ્રશંસનીય અને તદ્દન સાચું છે. આ ફિલ્મ ઓડિયન્સનું ધ્યાન આકર્ષવામાં ભારે અસરકારક રહી છે અને NSGના કમાન્ડો તરીકેની ભૂમિકામાં અક્ષય ખન્નાનો અભિનય પણ વાસ્તવિક બની રહ્યો છે. સમગ્રતયા આ ફિલ્મની સમગ્ર ટીમે નોંધપાત્ર કામગીરી બજાવી છે.

ફિલ્મ ‘સ્ટેટ ઓફ સીજ 2: ટેમ્પલ એટેક’ અક્ષરધામ મંદિર પરના 2002ના આતંકવાદી હુમલાનું તાદશ્ય નિરુપણ કરે છે. આ કરૂણ ઘટનામાં 30 નિર્દોષ વ્યક્તિએ જાન ગુમાવ્યા હતા. ફિલ્મ આ ઘટનાને અસરકારક રીતે ચમકાવે છે છતાં, વિક્ષુબ્ધ કરી દેનારી ચોક્કસ વિગતો કે વિવરણને ટાળવાનું પસંદ કરે છે. આનું કારણ કદાચ કોઈ ચોક્કસ કોમ્યુનિટી પ્રત્યે શત્રુતાને વધુ ઘેરી બનતી અટકાવવાનો ઉદ્દેશ પણ હોઈ શકે છે. આ નિર્ણય ઐતિહાસિક ચોકસાઈ અને વૈમનસ્યને ઉશ્કેરવાની ગર્ભિત સંભાવના વચ્ચે સંતુલન સાધવાની ફિલ્મનિર્માતાના ઉત્તરદાયિત્વ પર ભાર મૂકે છે.

હું સહુને ગુજરાતના અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાનો આગ્રહ કરું છું. આ મંદિર માત્ર નોંધપાત્ર સ્થાપત્યના અદ્ભૂત નમૂના સ્વરૂપે જ ખડું નથી પરંતુ, કોઈ પણ વિપરીત પરિસ્થિતિ કે સંજોગોની સામે માનવીય ભાવનાની સ્થિતિસ્થાપકતાના પુરાવા તરીકે નો હેતુ પણ પાર પાડે છે. તે શાંતિ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતીક રહેલ છે અને જ્યારે પણ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા હો ત્યારે આ મંદિરની મુલાકાત લેવી આવશ્યક બની જાય છે.

સંક્ષિપ્તમાં કહીએ તો, આ ફિલ્મ ભારે સફળતા હાંસલ કરનારી ન હોવાં છતાં, તે આપણા નહિ બિરદાવાયેલા નાયકોની બહાદૂરી અને બલિદાનોને સુરુચિપૂર્ણ શ્રદ્ધાંજલિ બની રહી છે અને આ કારણોસર પણ તેને ઓછામાં ઓછી એક વખત નિહાળવી જરૂરી બની જાય છે.

અક્ષરધામ આતંકવાદી હુમલા સમયે પ્રમુખ સ્વામી મહારાજે અસાધારણ આત્મસંયમ-સ્વસ્થતા અને સાહજિકતાનું પ્રદર્શન કર્યું હતું. તેમણે તમામ અસરગ્રસ્તોની સલામતી માટે પ્રાર્થના કરી હતી, ભાવિક ભક્તો અને નાગરિકોમાં શાંતિ જળવાઈ રહે તેને પ્રોત્સાહન આપ્યું હતું અને જરૂરિયાતમંદોને દિલાસો-આશ્વાસન પૂરા પાડ્યા હતા. તેમના આ કાર્યોએ ભારતમાં અશાંતિકાળ દરમિયાન કોમી હિંસાને અટકાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ધાર્મિક નેતા-અગ્રણીઓ, રાજકારણીઓ, મીડિયા અને સામાન્ય જનતાએ તેમની સ્વસ્થતાને વધાવી લીધી હતી. આ હુમલો કરુણાંતિકા સમાન હોવાં છતાં, તેમણે શાંતિ, એકતા અને કરુણાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. સમગ્રતયા તેમની અવિચળ ધીરતા અને શાંતિ જાળવવાના અનુરોધને સમગ્ર વિશ્વમાં સમજદારી, શાંતિની જાળવણી અને ઉદ્ધારમાં નોંધપાત્ર યોગદાન આપનારા પ્રગાઢ હિન્દુ વિવેકજ્ઞાનના પ્રગટીકરણ તરીકે જોવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter