ડાયસ્ફોરાના કવિઅો માટેના ઇ ન્યુઝલેટર 'વર્ડ મસાલા' અને 'સ્કાયલાર્ક'નો પ્રથમ અંક તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ઇ-મેઇલના માધ્યમથી મોકલવામાં આવનાર આ ન્યુઝ લેટરમાં દક્ષિણ એશિયાના વિવિધ દેશોના વિખ્યાત કવિઅોની કવિતાઅોનો ઇંગ્લીશમાં અનુવાદ અને અન્ય સાહિત્યીક પ્રદાનનો પણ સમાવેશ કરાશે.
'વર્ડ મસાલા'ના તંત્રી તરીકે શ્રી યોગેશ પટેલ સેવા આપી રહ્યા છે અને આ પ્રોજેક્ટને લોર્ડ નવનીત ધોળકીયા, લોર્ડ ભીખુભાઇ પારેખ, ડો. દેબજાની ચેટર્જી MBE સૈધ્ધાંતિક ટેકો આપી રહ્યા છે. ઇ-સ્કાયલાર્કનો ન્યુઝ લેટર માંગાવવા શ્રી યોગેશ પટેલનો તેમના ઇમેઇલ [email protected] ઉપર સંપર્ક કરવા વિનંતી છે.
૦૦૦૦૦૦૦૦
૧૦૧ વર્ષના વલ્લભભાઇ પ્રાગજીભાઇ સોલંકી
દક્ષિણ ગુજરાતના ચિખલી તાલુકાના મલીયાધરા ગામે જન્મેલા અને બર્મિંગહામના પેરીબાર ખાતે રહેતા શ્રી વલ્લભભાઇ પ્રાગજીભાઇ સોલંકી ગત ૧૨મી તારીકે ૧૦૧ વર્ષના થયા છે. પિતા પ્રાગજીભાઇ અને માતા પ્રેમીબેનના પુત્ર વલ્લભભાઇ પટેલે માત્ર બે ચોપડી સુધીનો જ અભ્યાસ કર્યો હતો. પરંતુ આપબળે મહેનત, મજૂરી અને વેપાર કરીને આગળ આવ્યા હતા.
તેઅો ૨૫ વર્ષના હતા ત્યારે બીજા વિશ્વ યુધ્ધ વખતે જહાંજમાં બેસીને મોમ્બાસા ગયા હતા અને ત્યાંથી કમ્પાલા અને છેલ્લા મસાકામાં સ્થાયી થઇ દુકાન કરી હતી. ૧૯૪૯માં જેલીબેન ઉર્ફે જયાબેનને પરણેલા વલ્લભભાઇ સતત તકલીફો અને મુશ્કેલીઅો સામે દીવાની જેમ ઝુઝતા રહ્યા હતા. પરંતુ છતાં સાચા વૈષ્ણવની જેમ લોકોની પીડા જાણી મદદ કરતા રહ્યા છે. વલ્લભભાઇ નિયમીત 'ગુજરાત સમાચાર' વાંચતા અને હંમેશા રાજકીય તેમજ અન્ય બાબતોની ચર્ચામાં ભાગ લેતા હતા. આજકાલ ઉંમરના કારણે તેમને અોછું દેખાય છે પણ તેમ છતાં ટીવી રેડિયો પર સમાચાર સાંભળે છે. તેમને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા મહારાણી એલીઝાબેથે પણ જન્મ દિનું શુભેચ્છા કાર્ડ મોકલ્યુ હતું.
હાલમાં જ વેલેન્ટાઇન ડે ગયો છે ત્યારે એક વાતનો ખાસ ઉલ્લેખ કરવાનો કે ૧૦૧ વર્ષના વલ્લભભાઇ આજે પણ તેમના પત્ની જયાબેનનો ખૂબજ સરસ રીતે ખ્યાલ રાખે છે. વલ્લભભાઇ અત્યારે તેમના નાના પુત્ર મહેશભાઇ અને પુત્રવધૂ ગીતાબેન સાથે રહે છે.
પૂ. વલ્લભભાઇને તેમની ૧૦૧મી વર્ષગાંઠ પ્રસંગે અને તેમના પત્ની જયાબેનને લગ્નની ૬૫મી વર્ષગાંઠ પ્રસંગે શુભકામનાઅો.
૦૦૦૦
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩ જે (સૌરાષ્ટ્ર – કચ્છ) વિભાગના પૂર્વ ગવર્નર ખંભાળીયાના ધીરેનભાઇ બદીયાણીનું રક્તદાન ક્ષેત્રે ૨૨ વર્ષની સુદિર્ઘ સેવાઅો બદલ રાજ્યપાલ શ્રી અોપી કોહલી તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે શાલ અોઢાડી સ્મૃતિ ચિહ્ન તેમજ પ્રસસ્તિ પત્ર એનાયત કરી પ્રજાસત્તાક દિને સન્માન કર્યું હતું. ધીરેનભાઇએ ૧૦૮ વખત રક્તદાન અને ૨૫૦થી વધુ વખત રક્તદાન કેમ્પના નોડલ અોફિસર તરીકે સેવાઅો આપી છે.
૦૦૦૦૦૦૦૦
સ્ત્રીને પામવા તેને સાંભળો
તાજેતરમાં એક પરિસંવાદમાં જણાવાયું હતું કે જો પુરૂષે સ્ત્રી સાથેના ડેટીંગમાં સફળ થવું હોય તો તેને મળતી વખતે પોતાના કામની વાતો કરવા કરતા તેને શાંતિથી સાંભળવી જોઇએ. સ્પીડ ડેટીંગના ૧૦૦૦ મહિલાઅોના અભ્યાસમાં જણાયું હતું કે મહિલાઅો ભાગ્યે જ પુરૂષનેે અભીભૂત કરવાનો પ્રયાસ કરે છે. સહાનુભુતિ દાખવી તેમની મુશ્કેલીઅોને સાંભળે તેવા પુરુષને મોટે ભાગે મહિલાઅો પસંદ કરે છે. પરંતુ જો પુરષ પોતાના કામની વાતો શરૂ કરે ત્યારે મહિલાઅો તે વાતને આડે પાટે ચઢાવી દે છે.
૦૦૦૦૦૦૦
જાપાનીઅોની પ્રમાણિકતા
જાપાનના લોકો અને જાપાનની કેટલીય વાતો જગમશહૂર છે. અહિં વાત છે તેમની પ્રમાણિકતાની. જી હા, ગયા વર્ષે ટોકીયોમાં એકલામાં જ જાપાનીઅોએ રસ્તા પરથી કે અન્ય સ્થળેથી મળી આવેલી કુલ £૧૮.૨૮ મિલિયન પાઉન્ડ જેટલી રકમ પોલીસને સોંપી હતી. જેમાંની ત્રીજા ભાગની રકમ તેના માલીકોને પરત સોંપવામાં સફળતા મળી હતી. એક જાપાનીને તે £૧ લાખ જેટલા મુલ્યની મત્તા ભરેલો થેલો મળી આવ્યો હતો જે તેને પરત કર્યો હતો.
૦૦૦૦૦૦
* સીગારેટના પેકેટ પર જો તેની બ્રાન્ડ અને અન્ય કોઇ જ માહિતી છાપવામાં આવેલી ન હોય તો સીગારેટ પીનારા લોકો પર તેની ખાસ્સી એવી અસર થાય છે એમ એક વૈજ્ઞાનિક જર્નલમાં છપાયું છે. જોકે ટોબાકો ઇન્ડસ્ટ્રીના લોકો સરકારનો આ અભિગમ મિથ્યા હોવાનો આક્ષેપ કરે છે.
૦૦૦૦૦૦૦૦
પ્રેમ કરો તો આવી રીતે કરો
માનીટોબાના વિનીપેગ ખાતે રહેતા રોસેલ સાબૌરીન નામના ૨૮ વર્ષના યુવાને એક સમયની તેની પ્રેયસી અને હવે પત્ની શેનોનને કેનેડાના આલ્બેર્ટા પર્વતની ટોચ પર લઇ જઇને તસવીરમાં જણાય છે તેવા મજેદાર ડીનરની ભેટ આપી હતી. ૯૦૦૦ ફીટના આ પર્વતની ટોચ પર ચઢવા તેમણે અઢી કલાક મહેનત કરવી પડી હતી. રોસેલે તાજેતરમાં જ આ તસવીર જાહેર કરી હતી કેમ કે તે માને છે કે તસવીર જોઇને લોકોને પ્રેમનો એકરાર કરવા માટે પ્રેરણા મળશે.