સંઘપ્રદેશનો પત્ર

Saturday 12th August 2023 07:07 EDT
 

સંઘ પ્રદેશ દીવ - દમણ અને દાદરાનગર હવેલીના સંક્ષિપ્ત સમાચાર...

વલસાડના ચાર ગામો સંઘપ્રદેશમાં સામેલ કરાયા તો ગુજરાતનો નક્શો બદલાઈ જશે
ગાંધીનગરઃ વલસાડ જિલ્લાના મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામોને સંઘ પ્રદેશ દમણ - દીવ અને દાદરાનગર હવેલીમાં ભેળવવાના નિર્ણય અંગે છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. 28 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠળ મળી રહી છે. ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે પશ્ચિમ ભારતના ત્રણ રાજ્યો અને એક સંઘ પ્રદેશની બેઠકમાં દક્ષિણ ગુજરાતમાં મધુવન ડેમ યોજના આસપાસના ક્ષેત્રના મુદ્દે આખરી નિર્ણય થઈ શકે છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે.
સંઘપ્રદેશ દમણ - દિવ અને દાદરાનગર હવેલી તરફથી વર્ષોથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મધુવન ડેમ પાસે જમીનનો કેટલોક હિસ્સો અને ચાર ગામો પોતાના ક્ષેત્રમાં ભેળવવા માંગણી થઈ રહી છે. ભૌગોલિક સ્તરે મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન એ ચારેય ગામો સંઘપ્રદેશ પર નિર્ભર છે. દમણગંગા નદી પર મધુવન ડેમને કારણે આ ગામોમાં પ્રવાસનની આપાર તકો છે. જોકે દારૂબંધીને કારણે ત્યાં આ ક્ષેત્રનો વિકાસ થઈ શક્યો નથી. આથી, સ્થાનિક સ્તરેથી લાંબા સમયથી ગુજરાતથી સંઘપ્રદેશમાં દાખલ થવાની માંગણીઓ થતી રહી છે.
આ મુદ્દો છેલ્લા આઠ વર્ષથી ભારત સરકારના ગૃહ મંત્રાલય અને વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ વચ્ચે પરામર્શ ચાલી રહ્યો છે. હવે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક 28 ઓગસ્ટે ભારતના ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે ગાંધીનગરમાં યોજાઇ રહી છ. જેમાં મુખ્ય પ્રધાન અને સંઘપ્રદેશના પ્રશાસક સહિત સરકારના સિનિયર અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

•••

સાંસદના પીએ, પૂર્વ પાલિકા પ્રમુખ સહિત ચારની ધરપકડ
સેલવાસઃ દાદરાનગર હવેલી (દાનહ) આદિવાસી વિકાસ સંગઠન દ્વારા સંચાલિત આદિવાસી ભવનમાં જુના દસ્તાવેજોની ચોરી કરવાના આરોપ હેઠળ દાનહના ભૂતપૂર્વ સાંસદ અને આદિવાસી વિકાસ સંગઠનના પીએ ગૌરાંગ સુરમા, પૂર્વ પાલિકા પ્રમુખ કમલેશ પટેલ, ઇસ્માઇલ અલી શેખ અને ગોવિંદભાઈ પાડવીની ચોથી ઓગસ્ટે ધરપકડ કરવામા આવી છે. તમામને કોર્ટમાં રજુ કરાતા તેમના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા હતા. દાદરાનગર હવેલી વિકાસ સંગઠનની બરતરફ કરાયેલી મેનેજમેન્ટ કમિટી દ્વારા સંવેદનશીલ દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસની ચોરી કરાઇ હોવાનું સ્પષ્ટ થતાં જ ખાનવેલ મામલતદાર અને આદિવાસી વિકાસ સંગઠનના સરકાર દ્વારા નિયુક્ત વહીવટદાર ભાવેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter