દુનિયાના આ દેશમાં ભરાય છે ચલણી નોટોનું બજાર!

Wednesday 15th July 2026 08:34 EDT
 
 

હર્ગેઇસા (સોમાલીલેન્ડ)ઃ આજે આખી દુનિયામાં રોકડને કોરાણે મૂકીને ડિજિટલ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. અનેક દેશોએ ડિજિટલ કરન્સી અપનાવી લીધી છે. ના કરન્સી છાપવાની ખર્ચાળ માથાઝીંક અને ના તેની લેવડદેવડથી લઇને સાચવવાની કડાકૂટ. જોકે સોમાલીલેન્ડની વાત ‘અલગ’ છે. અહીં તો ચલણી નોટોનું ખુલ્લેઆમ બજાર ભરાય છે! અહીં લોકો શાકભાજીની જેમ નોટોના બંડલ ખરીદે છે અને થેલા ભરીને પૈસા લઈ ફરે છે. આ દેશનું નામ છે સોમાલીલેન્ડ.
ઉત્તર આફ્રિકામાં આવેલો આ વિસ્તાર 1991માં સોમાલિયાથી અલગ થયો છે, જોકે યુનાઇટેડ નેશન્સ સહિત દુનિયાના મોટાભાગના દેશોએ તેને હજુ સુધી સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી નથી.
સોમાલીલેન્ડની સત્તાવાર કરન્સી ‘સોમાલીલેન્ડ શિલિંગ’નું મૂલ્ય એટલું નીચું ઉતરી ગયું છે કે એક અમેરિકન ડોલર ખરીદવા માટે લગભગ 9,000 શિલિંગ ચૂકવવા પડે છે. અહીં બજારમાં 500 અને 1000ની સોમાલીલેન્ડ શિલિંગની ચલણી નોટો સૌથી વધુ ચલણમાં છે. પરિણામે, રોજિંદી નાની-મોટી વસ્તુઓ કે શાકભાજી ખરીદવા માટે પણ લોકોએ નોટોથી ભરેલા થેલા કે કોથળા લઈને બજારમાં જવું પડે છે. મોંઘી વસ્તુઓ ખરીદવા માટે તો નોટોના બંડલ ટેમ્પોમાં ભરીને લઈ જવા પડે તેવી સ્થિતિ છે!
અલબત્ત, છેલ્લા કેટલાક સમયથી મસમોટી રોકડ રકમ સાથે રાખવાની કે હેરાફેરીની મુશ્કેલીથી બચવા માટે સોમાલીલેન્ડના લોકો મોબાઈલ પેમેન્ટ અને કેશલેસ ટ્રાન્ઝેક્શન ખૂબ ઝડપથી વધ્યું છે. અહીં નાના દુકાનદારોથી લઈને ભીખ માગતા લોકો પણ મોબાઈલથી પેમેન્ટ સ્વીકારતા જોવા મળે છે, પરંતુ આનાથી રોકડાનું મહત્ત્વ લેશમાત્ર ઘટ્યું નથી અને આથી જ ચલણી નોટનું બજાર બેરોકટોક ધમધમી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter