7 બાળકોની હત્યારી નર્સને પકડાવવામાં ભારતીય મૂળના ડોક્ટરે મદદ કરી હતી

લ્યુસી લેટબીના કૃત્યો અંગે ડો. રવિ જયરામે સૌથી પહેલાં હોસ્પિટલ સત્તાવાળાઓને સાવચેત કર્યાં હતાં

Tuesday 22nd August 2023 11:42 EDT
 
 

લંડનઃ યુકેમાં 7 નવજાત શિશુની હત્યા માટે દોષી ઠરેલી નર્સને પકડાવવામાં મદદ કરનારા લોકો પૈકીમાં નોર્ધન ઇંગ્લેન્ડ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ પિડિયાટ્રિશિયન તરીકે ફરજ બજાવનાર ભારતીય મૂળના ડો. રવિ જયરામનો પણ મોટો ફાળો રહ્યો છે. ચેસ્ટરમાં આવેલી કાઉન્ટેસ ચેસ્ટર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. રવિ કહે છે કે મારી પૂર્વ નર્સ સહયોગી લ્યુસી લેટબી અંગે મેં વ્યક્ત કરેલી ચિંતાઓ પર ધ્યાન આપીને પોલીસને જાણ કરાઇ હોત તો આ બાળકોના જીવન બચાવી શકાયાં હોત.

2015 અને 2016માં નવજાત શિશુઓની હત્યા માટે માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટની જ્યુરી દ્વારા લ્યુસીને દોષી ઠેરવવામાં આવી છે. 33 વર્ષીય નિઓનેટલ નર્સ પર અન્ય 6 બાળકોની હત્યાનો પ્રયાસ કરવાના આરોપ પણ પૂરવાર થઇ ગયાં છે. સુનાવણી દરમિયાન જયરામે કોર્ટને જણાવ્યું હતું કે, બાળકોનું ઓક્સિજન લેવલ ઘટતું ત્યારે લ્યુસી કોઇ કામગીરી કરતી નહોતી તે જોઇને હું વિચલિત થઇ જતો હતો. હું માનું છું કે જો લ્યુસીએ તેની ફરજ નિષ્ઠાથી નિભાવી હોત તો આજે મૃતક પૈકીના ચારથી પાંચ બાળક શાળામાં જતાં હોત. જૂન 2015માં 3 બાળકનાં મોત બાદ મેં સૌથી પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી. લેટબી અંગેની અમારી ચિંતાઓ વ્યક્ત કરવા માટે સીનિયર ડોક્ટરોએ હોસ્પિટલ સત્તાવાળાઓ સાથે સંખ્યાબંધ બેઠકો કરી હતી. આખરે એપ્રિલ 2017માં એનએચએસ ટ્રસ્ટે અમને પોલીસ અધિકારીને મળવાની મંજૂરી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter