લંડનઃ વીજળીના ગ્રાહકોને 7 મિલિયન સ્માર્ટ મીટર લગાવવાનો ખર્ચ ભોગવવો પડશે પરંતુ આ મીટરો 10 વર્ષ કરતાં પણ ઓછા સમયમાં નિરર્થક બની રહેશે તેવી ચેતવણી પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ ઉચ્ચારી છે. સ્માર્ટ મીટર લગાવવાની યોજનામાં રહેલી સંખ્યાબંધ નિષ્ફળતા ઉજાગર કરતા રિપોર્ટમાં કમિટીએ જણાવ્યું હતું કે ટુજી અને થ્રીજી નેટવર્ક 2033માં સમાપ્ત થાય તે પહેલાં 7 મિલિયન સ્માર્ટ મીટર રિપ્લેસ કરવા પડશે. કમિટીએ ચેતવણી આપી છે કે આ સ્માર્ટ મીટર બદલવાનો બોજો આખરે વીજળીના ગ્રાહક પર જ પડશે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ગ્રાહકોને તેમના એનર્જી યૂઝની માહિતી આપી શકે તેવા સ્માર્ટ ડિવાઇસની માગ હવે ઘટી રહી છે. ગ્રાહકોને ભય છે કે આ પ્રકારના સ્માર્ટ મીટર વીજળી સપ્લાયર કંપનીને વધુ ખર્ચાળ પ્રિપેમેન્ટ પ્લાનમાં ટ્રાન્સફર કરી દેવાની સુવિધા આપે છે તેથી તેઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યાં છે.


