લંડનઃ જર્મન ફોસ્ટર સેન્ટરમાં કસ્ટડીમાં રખાયેલી ભારતીય બાળકી અરિહા શાહને મુક્ત કરવા યુકેના ભારતીય સમુદાયે માગ કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલામાં હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. ભારતીય સમુદાયના લોકોએ દેખાવો યોજી નારાબાજી કરી હતી કે વડાપ્રધાન મોદી અરિહાને ભારત પરત મોકલવા જર્મની સાથે વાત કરે. આ દેખાવોમાં નાના બાળકો પણ જોડાયાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2021માં અરિહા શાહને તેની દાદી દ્વારા અકસ્માતે ઇજા પહોંચી હતી જેના પગલે જર્મન સત્તાવાળાઓએ બાળકીને પોતાની કસ્ટડીમાં લઇ લીધી હતી. હાલ અરિહાને જર્મન ફોસ્ટર સેન્ટરમાં રખાઇ છે. આ મામલામાં પરિવારે ભારત સરકારને અપીલ કર્યા બાદ ભારતીય સત્તાવાળા સતત આ મુદ્દે જર્મન સત્તાવાળા સમક્ષ રજૂઆત કરી રહ્યાં છે. ભારતનું વિદેશ મંત્રાલય અને બર્લિન સ્થિત ભારતીય દૂતાવાસ સતત અરિહાને ભારત પરત મોકલી આપવાની તરફેણ કરતાં રહ્યાં છે.


