લંડનઃ ઇ-બાઇકની બેટરીમાં 6 હેન્ડ ગ્રેનેડ જેટલી વિસ્ફોટક શક્તિ રહેલી છે તેવી ચેતવણી આપતા ચેરિટી ઇલેક્ટ્રિકલ સેફ્ટીએ ઇ-બાઇકની બેટરીનું દારૂખાનાની જેમ નિયંત્રણ કરવાની માગ કરી છે. ચેરિટીના રિપોર્ટ અનુસાર ફુલ ચાર્જ કરાયેલી ઇ-બાઇક બેટરીમાં 6 હેન્ડ ગ્રેનેડમાં સંગ્રહાયેલી ટીએનટી વિસ્ફોટ જેટલી ક્ષમતા રહેલી છે. ચેરિટીએ સરકારને નવા કાયદા લાગુ કરવાની અપીલ કરી છે. ચેરિટીની માગ છે કે ઇ-બાઇક બેટરીને પણ દારૂખાના, હેવી મશીનરી, મેડિકલ ડિવાઇસની જેમ નિયંત્રિત કરવામાં આવે. ઇ-બાઇક અને ઇ-સ્કૂટરના કારણે લાગેલી આગમાં ઘણા નુકસાન અને કેટલાક કિસ્સામાં મોતના અહેવાલો પણ પ્રાપ્ત થયાં છે. કેમ્બ્રિજમાં ઇ-સ્કૂટરમાં લાગેલી આગના કારણે એક મહિલા અને તેના બે બાળકનાં મોત થયાં હતાં.
ચેરિટીએ જણાવ્યું છે કે ઇ-બાઇકમાં ઉપયોગમાં લેવાતી લિથિયમ-આયન બેટરીમાં થતી પ્રક્રિયાના કારણે ઝેરી ધુમાડો પ્રસરે છે, વિસ્ફોટ સાથે આગ પણ લાગી શકે છે. બેટરી ચાર્જ કરતી વખતે એક તબક્કો એવો આવે છે જેમાં લિથિયમ આયન સેલ પર કોઇપ્રકારનું નિયંત્રણ રહેતું નથી જેના કારણે બેટરીમાં વિસ્ફોટ થઇ શકે છે. બેટરીમાં વિસ્ફોટ થાય છે ત્યારે તેમાંથી પ્રચંડ શક્તિ મુક્ત થાય છે જે ગણતરીની મિનિટોમાં ઓરડાને ધરાશાયી કરી શકે છે. વર્તમાન કાયદા પ્રમાણે ઇ-બાઇકની ગુણવત્તાની ચકાસણી ઉત્પાદક દ્વારા જાતે જ કરાય છે અને બેટરીની ચકાસણી અન્ય ઇલેક્ટ્રિક સામાનની જેમ ઇલેક્ટ્રિક સ્ટાન્ડર્ડ પ્રમાણે જ થાય છે. ચેરિટીની માગ છે કે ઇ-બાઇકનું ટેસ્ટિંગ થર્ડ પાર્ટી દ્વારા કરાવવું જોઇએ.


