લંડનઃ છેલ્લા બે વર્ષમાં ઇંગ્લેન્ડમાં ઓછામાં ઓછા 1500 બસ રૂટ બંધ કરી દેવાયાં છે. ટ્રાફિક કમિશ્નર્સ રિપોર્ટ અનુસાર 2021માં લોકલ રજિસ્ટ્રેશન 12000 કરતાં વધુ હતાં જે 2023માં ઘટીને 9000 પર આવી ગયાં છે. જોકે ડીએફટીનું કહેવું છે કે ઘણા રૂટને નવું સ્વરૂપ અપાયું છે જેથી રૂટ બંધ કરાયા છે તેમ કહી શકાય નહીં. લેબર પાર્ટીએ આરોપ મૂક્યો છે કે સરકાર સમુદાયો વિરુદ્ધ તોફાની પ્રવૃત્તિ કરી રહી છે. ઘણી સેવાઓ પર જોખમ તોળાઇ રહ્યું છે. બસ ઓપરેટરોએ ડીએફટીને વધુ રૂટ બંધ ન કરાય તે માટે બસો માટે લાંબા ગાળાની આર્થિક સહાય આપવા અપીલ કરી છે. ઇંગ્લેન્ડમાં વર્ષ 2010માં 17394 બસ રૂટ કાર્યરત હતાં જે ઘટીને 2022માં 10941 અને 2023માં 8781 પર આવી ગયાં છે.


