લંડનઃ યુકેની ઇલેક્શન વોચડોગે જણાવ્યું છે કે તેના પર જટિલ સાયબર હુમલો થયો છે જેના કારણે કરોડો મતદારો પર અસર પડી શકે છે. બ્રિટનના ચૂંટણી પંચે જણાવ્યું છે કે કેટલાક અજાણ્યા સાયબર હુમલાખોરો ઇલેક્ટોરલ રજિસ્ટરની નકલો તફડાવવામાં સફળ રહ્યાં છે. આ હુમલો ઓગસ્ટ 2021થી ચાલી રહ્યો છે. હેકર્સ ઇલેક્ટોરલ કમિશનના ઇમેલ અને કન્ટ્રોલ સિસ્ટમમાં પણ ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યાં છે પરંતુ ઓક્ટોબર 2022 સુધી આ હુમલાની ગંધ સુદ્ધાં આવી નહોતી.
વોચડોગે જનતાને તેમના ડેટાનો બિનઅધિકૃત ઉપયોગ ન થાય તે જોવાની ચેતવણી આપી છે. જાહેર નોટિસમાં કમિશને જણાવ્યું હતું કે, રિસર્ચ હેતૂ માટે રખાયેલ રજિસ્ટરોની નકલો મેળવવામાં હેકર્સ સફળ રહ્યાં છે. જેમાં રાજકીય દાતાઓની વિગતો પણ સામેલ છે.
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શોન મેકનેલીએ જણાવ્યું હતું કે, કમિશન સારી રીતે જાણે છે કે હેકરો અમારી કઇ સિસ્ટમ સુધી પહોંચી શકે છે પરંતુ તેઓ કઇ ફાઇલો એસેસ કરી શકે છે તેની જાણકારી અમારી પાસે નથી.
વોચડોગે જણાવ્યું હતું કે, સાયબર હુમલાના સમયે અમારી પાસે જે માહિતી હતી તેમાં યુકેના મતદારોની નામ અને સરનામા સામેલ હતાં. ઓવરસીઝ વોટરના નામ પણ તેમાં સામેલ હતાં. જોકે ગુપ્ત રીતે રજિસ્ટર કરાવવા માટે લાયકાત ધરાવતા લોકોનો ડેટા હેકરો સુધી પહોંચી શક્યો નથી. અમે નથી જાણતા કે આ હુમલાથી કેટલા લોકોને અસર થવાની છે પરંતુ આ રજિસ્ટરમાં 40 મિલિયન મતદારોનો ડેટા હોવાનો અંદાજ છે.


