ઉલેઝ વિસ્તરણના કારણે 7,00,000 કાર માલિકો અસરગ્રસ્ત, જૂની કાર બદલવા ધસારો

સારી કન્ડિશનની કાર ભંગારવાડે જવાથી ક્લાસિક કારના બજારને પણ ફટકો પડશે

Tuesday 15th August 2023 12:11 EDT
 
 

લંડનઃ બૃહદ લંડનનના 32 બરોમાં 29 ઓગસ્ટથી ઉલેઝનો અમલ શરૂ થઇ રહ્યો છે ત્યારે મેયર સાદિક ખાન દ્વારા જાહેર કરાયેલી 160 મિલિયન પાઉન્ડની સ્ક્રેપેજ સ્કીમની ડિમાન્ડ પણ વધી ગઇ છે અને લોકો કાર બદલવા માટે ધસારો કરી રહ્યાં છે. લંડનવાસીઓ એવા મોડેલની કાર ખરીદવા દોડાદોડી કરી રહ્યાં છે જેથી 12.50 પાઉન્ડ પ્રતિ દિવસનો ઉલેઝ ચાર્જ ભરવો ન પડે.

મેથી જુલાઇ મહિના વચ્ચે પોતાની જૂની કાર ભંગારમાં મોકલવા ઇચ્છતા વ્યક્તિઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉના આંકડા કરતાં લંડનની આસપાસના વિસ્તારમાં આ આંકડામાં 80 ટકાનો વધારો થયો છે. જોકે ચિંતાનો વિષય એ પણ છે કે ઉલેઝના વિસ્તરણના કારણે સારી કન્ડિશનમાં રહેલી કારો પણ ભંગારમાં ચાલી જશે જેના કારણે ક્લાસિક કારના બજારને મોટો ફટકો પડવાની સંભાવના છે.

મેયરની ઓફિસના અંદાજ પ્રમાણે ઉલેઝના વિસ્તરણના કારણે લંડનમાં જૂની કાર ધરાવતા 2,00,000 માલિકો પર અસર પડશે પરંતુ તાજેતરમાં માહિતી અધિકાર અંતર્ગત મેળવાયેલી માહિતી અનુસાર 7,00,000 વાહનમાલિકો ઉલેઝ વિસ્તરણથી અસરગ્રસ્ત થવાના છે.

સાદિક ખાને મોંઘવારીથી પીસાતી જનતા પર વધુ બોજો નાખવો જોઇએ નહીઃ સ્ટાર્મર

લંડનઃ લેબર પાર્ટીના વડા સર કેર સ્ટાર્મરે લંડનના મેયર સાદિક ખાનની ઉલેઝ માટે આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ દરમિયાન ઉલેઝ વિસ્તરણ જનતા પર અસામાન્ય બોજો નાખશે. શહેરોએ હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે વાહનચાલકોને દંડ્યા વગર અન્ય વિકલ્પો અપનાવવા જોઇએ. હું શુદ્ધ હવા-પાણી ઇચ્છું છું પરંતુ તેના માટે મોંઘવારીથી પીસાતી જનતા પર વધારાનો બોજો નાખવો જોઇએ નહીં.

ઉલેઝ વિસ્તરણના વિરોધમાં પ્રભદીપ સિંહની ભૂખ હડતાળ

લંડનઃ ઉલેઝ વિસ્તરણની સામે જનતામાં રોષ વધી રહ્યો છે. અક્સબ્રિજ સ્ટેશન ખાતે ઉલેઝ વિસ્તરણના વિરોધમાં પ્રભદીપસિંહે એક સપ્તાહની ભૂખ હડતાળ શરૂ કરી હતી. પ્રાઇવેટ હાયર ડ્રાઇવર તરીકે કામ કરતા પ્રભદીપસિંહ 10 વર્ષ બ્રિટિશ સેનામાં સેવા આપી ચૂક્યાં છે. તેમનો આરોપ છે કે ઉલેઝના વિસ્તરણથી મારા બિઝનેસને મોટું નુકસાન થશે. હું વેસ્ટ લંડનમાં હેયસ ખાતે આવેલા ગુરુદ્વારાની પણ મુલાકાત લઇ શકીશ નહીં કારણ કે મારી કાર મોડર્ન એમિશન સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી અને 29 ઓગસ્ટથી મારે તેના માટે પ્રતિ દિન 12.50 પાઉન્ડ ચૂકવવા પડશે. હું કેવી રીતે પહેલાં મેયરના ખિસ્સામાં નાણા આપ્યા પછી ગુરુદ્વારા જઇ શકું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter