લંડનઃ 29મી ઓગસ્ટથી સમગ્ર બૃહદ લંડનમાં લાગુ થનારા અલ્ટ્રા લો એમિશન ઝોન (ઉલેઝ)થી પીડિત જનતાને આર્થિક સહાય વિસ્તારવાની જાહેરાત લંડનના મેયર સાદિક ખાન દ્વારા કરાઇ છે. ઉલેઝના વિસ્તરણ પહેલાં સ્ક્રેપેજ સ્કીમ હવે તમામ લંડનવાસીઓ માટે ખુલ્લી મૂકી દેવાઇ છે. અગાઉ આ સ્કીમનો લાભ ફક્ત બેનિફિટ્સ મેળવતા લોકો માટે જ લાગુ કરાઇ હતી. વિસ્તરણ કરાયેલી સ્ક્રેપેજ સ્કીમના કારણે લંડનની તિજોરી પર વધારાના 50 મિલિયન પાઉન્ડનો બોજો પડશે. હવે આ સ્કીમ પાછળ 110 મિલિયન પાઉન્ડથી વધીને 160 મિલિયન પાઉન્ડનો ખર્ચ થશે. 19 ઓગસ્ટથી લંડનના તમામ 32 બરોમાં પણ ઉલેઝ લાગુ થઇ જશે.
ગયા સપ્તાહમાં જાહેર કરાયેલા સુધારેલા પ્રસ્તાવો અનુસાર સ્ક્રેપેજ સ્કીમનો લાભ તમામ લંડનવાસીઓ ઉપરાંત નાની કંપનીઓ, મિની બસ, વ્હીલચેર-એસેસિબલ વ્હિકલ્સ અને ચેરિટી સંસ્થાઓ પણ લઇ શકશે. નવા પ્રસ્તાવો અનુસાર એમિશન ધોરણોનું પાલન ન કરતાં અને વધુ પ્રદૂષણ ફેલાવતા વાહન માલિકોને વાહન બદલવા માટે 2000 પાઉન્ડની ગ્રાન્ટ અપાશે. વેપારીઓ, બિઝનેસ અને 50 કરતાં ઓછા કર્મચારી ધરાવતી કંપનીઓને દરેક વાન બદલવા માટે હવે 5000 પાઉન્ડના સ્થાને 7000 પાઉન્ડ અપાશે. મિની બસ માટેની રકમ 7000 પાઉન્ડથી વધારીને 9000 પાઉન્ડ કરાઇ છે. ઇલેક્ટ્રિક ઇક્વિવેલન્ટ સાથેની મિની બસ અથવા વાન માટેની રકમ 5000 પાઉન્ડથી બમણી કરીને 10,000 પાઉન્ડ કરાઇ છે. ચેરિટી સંસ્થાઓને મિની બસ માટે 7000 પાઉન્ડને સ્થાને 9000 પાઉન્ડ ચૂકવાશે.
લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, હું સતત લંડનવાસીઓની ચિંતા પર ધ્યાન આપી રહ્યો છું અને તેથી જ સ્ક્રેપેજ સ્કીમમાં વધારાનો નિર્ણય કર્યો છે. પરંતુ ઉલેઝના વિસ્તરણના અમલમાં હું જરાપણ વિલંબ કરવાનો નથી.
વાહન બદલવા માટે અપાનારી ગ્રાન્ટ
પર્સનલ કાર બદલવા માટે – 2000 પાઉન્ડ
કોમર્શિયલ વાન બદલવા માટે – 7000 પાઉન્ડ
મિની બસ બદલવા માટે – 9000 પાઉન્ડ
ઇલેક્ટ્રિક ઇક્વિલેલન્ટ મિની બસ માટે – 10,000 પાઉન્ડ
ચેરિટી સંસ્થાની મિની બસ માટે – 9000 પાઉન્ડ


