એ લેવલની પરીક્ષામાં સંખ્યાબંધ ગુજરાતી વિદ્યાર્થીઓએ કૌવત બતાવ્યું

આકરી મહેનત અને સ્માર્ટ વર્ક દ્વારા ઇચ્છિત કારકિર્દીની દિશામાં પ્રયાણ

Tuesday 22nd August 2023 15:17 EDT
 
 

લંડનઃ કારકિર્દી માટે અત્યંત મહત્વના ગણાતા એ-લેવલના પરિણામ જાહેર થઇ ચૂક્યાં છે. કોરોના મહામારી પહેલાના સ્તરે ગ્રેડિંગ લઇ જવાના લક્ષ્યાંક સાથે આ વખતે એ સ્ટાર અને એ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. તેમ છતાં આ અત્યંત મહત્વની પરીક્ષામાં ગુજરાતી વિદ્યાર્થીઓએ પોતાનું કૌવત દર્શાવીને ઇચ્છા અને યોજના પ્રમાણેની કારકિર્દી તરફ મક્કમતાથી પ્રયાણ કર્યું છે.  

દિશાન પટેલ હવે મેડિસિનમાં કારકિર્દી ઘડશે

દિશાન પટેલે 2022-23ના તેના શૈક્ષણિક વર્ષનો અભ્યાસ પુરો કરી લીધો છે અને હવે તે મેડિસિનનો અભ્યાસ શરૂ કરશે. દિશાન કહે છે કે મેં બાયોલોજી અને કેમેસ્ટ્રીમાં એ સ્ટાર ગ્રેડ તથા લેટિનમાં એ ગ્રેડ હાંસલ કર્યો છે. એ-લેવલનો મારો અભ્યાસ કન્ટેન્ટ અને સ્ટ્રેસના પડકારો છતાં આનંદમય રહ્યો. મારા સર્વાંગી વિકાસ માટે મારા માટે ઇતર પ્રવૃત્તિઓ પણ મહત્વની હતી તેથી મેં મારી શાળામાં આયોજિત સ્ટોક્સ અને શેરની વર્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. આ એક ટીમ કોમ્પિટિશન હતી અને અમારા ધીમા પ્રારંભ છતાં અમે પ્રોફિટ કરીને વિજેતા બનવામાં સફળ રહ્યાં હતાં. મેં 2023ની કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડમાં પણ ભાગ લીધો અને તેમાં કાંસ્ય પદક વિજેતા રહ્યો હતો. શાળામાં હું ક્લાસિક્સ પ્રાઇઝ અને ઓવરઓલ સાયન્સ પ્રાઇઝ જીતવામાં પણ સફળ રહ્યો હતો. શાળામાં મેં નવી આદતો વિકસાવી હતી. મને વર્ક લાઇફ બેલેન્સ અને સ્વિમિંગ તથા વાંચન જેવી પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કેર હોમ ખાતે સ્વેચ્છાએ આપેલી સેવાઓ અદ્દભૂત અનુભવ રહ્યો હતો. ત્યાં મને વિવિધ વર્ગના લોકો પાસેથઈ તેમના અનુભવો અંગે જાણવા મળ્યું હતું. આ અનુભવ મારી મેડિસિનની કારકિર્દીમાં ઘણો મદદરૂપ થશે.

નિત્શેએ કહ્યું છે તે પ્રમાણે જેની પાસે જીવન જીવવાનું કારણ છે તે ગમે તેવા પડકારોનો સામનો કરી શકે છે. મારું જીવન જીવવાનું કારણ મેડિસિનમાં કારકિર્દી હતું અને હું મારી જાતને શ્રેષ્ઠ બનાવવા માગતો હતો. નવી મુસાફરી શરૂ કરનારાને હું એટલું કહીશ કે તમારા જીવન જીવવાના કારણને જાણો. અભ્યાસમાં સ્માર્ટ વર્ક કરો અને હંમેશા તેનો આનંદ માણો. જ્યારે તમે અમૂલ્ય સફળતા હાંસલ કરશો ત્યાર તમારી સિદ્ધી પર તમને ગૌરવ થશે.

 પરીન શાહને ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં ઘણો રસ છે

કિંગસ્ટનમાં ટિફિન સ્કૂલમાં અભ્યાસ કરનાર પરીન શાહે હિસ્ટ્રીમાં એ સ્ટાર, ઇકોનોમિક્સમાં એ સ્ટાર અને મેથ્સમાં એ ગ્રેડ હાંસલ કર્યાં છે. પરીન એક સારો ખેલાડી છે અને શાળા વતી ક્રિકેટ અને ટેબલ ટેનિસમાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. તેને ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં રસ છે અને તે આ ક્ષેત્રમાં તેની કારકિર્દી બનાવવા ઇચ્છે છે.

 યક્ષ રાવલ ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ઇન્ડસ્ટ્રીમાં સફળ કારકિર્દી ઇચ્છે છે

ક્લેરમોન્ટ હાઇસ્કૂલના 13વર્ષીય વિદ્યાર્થી યક્ષ રાવલે મેથ્સમાં એ સ્ટાર, ઇકોનોમિક્સમાં એ સ્ટાર અને ફિઝિક્સમાં એ ગ્રેડ હાંસલ કર્યાં છે. યક્ષ માને છે કે આકરી મહેનત અને પ્રતિબદ્ધતા હંમેશા સારા પરિણામ આપે છે અને છેલ્લા કેટલાક મહિનામાં તેણે કરેલી મહેનત અને આપેલાં બલિદાન રંગ લાવ્યાં છે. શાળાના ટોપ થ્રી રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત કરનાર યક્ષનું તેની સિદ્ધી અને ઇતર પ્રવૃત્તિઓ અંગે બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા ઇન્ટર્વ્યુ લેવામાં આવ્યું હતું. ડ્યુક ઓફ એડિનબરો એવોર્ડ પ્રાપ્ત કરનાર યક્ષ વોરવિક યુનિવર્સિટી ખાતે ઇકોનોમિક્સમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી હાંસલ કરવા માગે છે. યક્ષ યુકેની ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ઇન્ડસ્ટ્રીમાં સફળ કારકિર્દી બનાવવા ઇચ્છે છે.

 રિશી પટેલ ઇન્ડસ્ટ્રિયલ ઇકોનોમિક્સમાં આગળ વધશે

એ-લેવલની પરીક્ષામાં એ,એ,એ અને ઇપીક્યૂમાં વધારાનો એ ગ્રેડ હાંસલ કરનાર રિશી પટેલ નોટિંગહામ યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રિયલ ઇકોનોમિક્સનો અભ્યાસ કરવા માગે છે. રિશી તેની શાળામાં સંખ્યાબંધ સખાવતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો. રિશી કહે છે કે હું મારા પરિણામથી ઘણો ખુશ છું અને મારા પર ગૌરવ અનુભવું છું. મને મદદ કરનારા મારા શિક્ષકોનો હું આભારી છું.

એ સ્ટાર ગ્રેડમાં કિશોરોએ કન્યાઓને પાછળ રાખી દીધી

આ વર્ષે એ-લેવલના પરિણામમાં ટોચના ગ્રેડ મામલે કન્યાઓએ કિશોરોને માત આપી છે. જોકે આ વર્ષે એ સ્ટાર ગ્રેડના મામલામાં કિશોરોએ કન્યાઓને પાછળ રાખી છે. એ સ્ટાર ગ્રેડ મેળવનાર કિશોરોની સંખ્યા 9.1 ટકા જ્યારે એ સ્ટાર ગ્રેડ મેળવનાર કન્યાઓની સંખ્યા 8.8 ટકા રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter