એ-લેવલનું પરિણામ જાહેર, ફક્ત 27.2 ટકા ટોચના ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ

ઇંગ્લેન્ડમાં ટોચના ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 26.5 ટકા, વેલ્સમાં 34 ટકા અને નોર્ધન આયર્લેન્ડમાં 37.5 ટકા

Tuesday 22nd August 2023 11:38 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડમાં લાખો વિદ્યાર્થીઓના એ-લેવલના પરિણામ ગુરુવારે જાહેર કરાયાં હતાં. સરકારે ગ્રેડિંગમાં કોરોના મહામારી પહેલાંના સ્તર પર પહોંચવાની નીતિ અપનાવતાં એ અથવા એ સ્ટાર ગ્રેડ હાંસલ કરનારાની સંખ્યા કોરોના મહામારી દરમિયાનના 44.8 ટકાથી ઘટીને 27.2 ટકા પર આવી ગઇ હતી. જો કે આ સંખ્યા હજુ કોરોના મહામારી પહેલાંના કોઇપણ વર્ષના પરિણામ કરતાં વધુ રહી છે. 2019માં એ અથવા એ સ્ટાર ગ્રેડ મેળવનારાની સંખ્યા 25.5 ટકા રહી હતી.

ઇંગ્લેન્ડમાં ટોચના ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા મોટા ઘટાડા સાથે 26.5 ટકા રહી હતી જ્યારે વેલ્સમાં 34 ટકા અને નોર્ધન આયર્લેન્ડમાં 37.5 ટકા રહી હતી. ઇંગ્લેન્ડમાં ટોચના ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 9.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડમાં એક્ઝામ રેગ્યુલેટરે મહામારી પહેલાંના ગ્રેડિંગ સ્તર પર જવાની કોઇ યોજના બનાવી ન હોવા છતાં ટોચના ગ્રેડ મેળવનારાની સંખ્યામાં અનુક્રમે 6.9 અને 6.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ઇંગ્લેન્ડમાં એ-લેવલની પરીક્ષા આપનારા 2,80,000 વિદ્યાર્થી પૈકીના ફક્ત 3820 વિદ્યાર્થી જ એ સ્ટાર રિઝલ્ટ હાંસલ કરી શક્યાં હતાં. ગયા વર્ષે તેમની સંખ્યા 8570 રહી હતી. સમગ્ર યુકેમાં સાઉથ ઇસ્ટના વિદ્યાર્થીઓ મેદાન મારી ગયાં હતાં અને સૌથી વધુ 30.3 ટકા વિદ્યાર્થીએ એ સ્ટાર ગ્રેડ હાંસલ કર્યો હતો. તેના બાદ લંડનના 30 ટકા વિદ્યાર્થી એ સ્ટાર ગ્રેડ સાથે બીજા સ્થાને રહ્યાં હતાં. નોર્થ ઇસ્ટના 22 ટકા અને વેસ્ટ મિડલેન્ડ્સના 22.9 ટકા વિદ્યાર્થી ટોચના ગ્રેડ મેળવવામાં સફળ રહ્યાં હતાં.

ગ્રેડિંગ સિસ્ટમ આકરી બનાવાયા પછી કન્યાઓના ગ્રેડમાં 10.2 ટકા અને કિશોરોના ગ્રેડમાં 8.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે એ અને એ સ્ટાર ગ્રેડ મેળવવામાં કન્યાઓ 26.7 ટકા સાથે આગળ રહી છે. 26.4 ટકા કિશોર ટોચના ગ્રેડ હાંસલ કરી શક્યાં હતાં.

એજ્યુકેશન સેક્રેટરી ગિલિયન કીગને જણાવ્યું હતું કે, ગ્રેડ કોરોના મહામારીના પહેલાંના સ્તરે પાછા આવી જવા જોઇએ જેથી તેનો અર્થ સરે. ગ્રેડિંગને આ સ્તરે લાવવાથી તમારા નોકરીદાતા, યુનિવર્સિટી, તમારા પોતાના માટે, તમારા વાલી, તમારા સગાં અને મિત્રો માટે તેનું મહત્વ અને મૂલ્ય હોય.

4,14,940 વિદ્યાર્થી ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે યુનિવર્સિટીઓના ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષે 2.6 ટકાનો ઘટાડો થયો છે. યુસીએએસના આંકડા પ્રમાણે 4,14,940 વિદ્યાર્થી ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકશે.

એ-લેવલ પરિણામ

કુલ પરિણામ – 27.2 ટકા

ઇંગ્લેન્ડમાં એ અને એ સ્ટાર ગ્રેડ – 26.5 ટકા

વેલ્સમાં એ અને એ સ્ટાર ગ્રેડ – 34.0 ટકા

નોર્ધન આયર્લેન્ડ માં એ અને એ સ્ટાર ગ્રેડ – 37.5 ટકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter