લંડનઃ એક સરવેમાં સામે આવ્યું છે કે ભારતમાં ઓછી કોસ્ટ ઓફ લિવિંગ, સુધરેલી આરોગ્ય સેવાઓ, ઇન્વેસ્ટમેન્ટની વ્યાપક બની રહેલી તકોને જોતાં ઓસ્ટ્રેલિયાથી કેનેડા સુધીના પાંચ દેશોમાં જઇને વસેલા દર 10માંથી 6 એનઆરઆઇ હવે નિવૃત્તિ બાદ ભારત પરત ફરવાની યોજના બનાવી રહ્યાં છે.
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનીને ઉભરી રહ્યો છે. મૂડીરોકાણની તકો અને આર્થિક સ્થિરતાના કારણએ દેશ છોડીને વિદેશોમાં સ્થાયી થયેલા મોટાભાગના એનઆરઆઇ નિવૃત્તિ બાદ ભારત પરત ફરવાની યોજના બનાવી રહ્યાં છે. SBNRI સરવેમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, યુકે અને સિંગાપોરમાં વસતા એનઆરઆઇ સ્વદેશ પરત ફરવા ઇચ્છે છે. પિનટેક પ્લેટફોર્મના એક રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં વસતા 80 ટકા, યુકેમાં વસતા 70 ટકા અને અમેરિકામાં વસતા 75 ટકા એનઆરઆઇએ સ્વેદશ પરત ફરવાની ઇચ્છા જાહેર કરી છે. સરવેના તારણોમાં જાણવા મળ્યું છે કે અમેરિકાના 56 ટકા, કેનેડાના 44 ટકા, યુકેના 35 ટકા અને સિંગાપોરના 45 ટકા એનઆરઆઇએ નિવૃત્તિ બાદ ભારત પરત ફરવાની પોતાની યોજના અંતર્ગત ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પણ શરૂ કરી દીધું છે.


