લંડનઃ યુકેની હવાઇ સીમામાં ઉડાન ભરવા માટે એરલાઇન્સ કંપનીઓએ ચૂકવવા પડતા દરમાં યુકેના એવિએશન રેગ્યુલેટરે વધારો કરતાં હવાઇ મુસાફરી મોંઘી બનવાની સંભાવના છે. સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર 2023થી 2027ના સમયગાળા માટે પ્રતિ સર્વિસ યુનિટનો ચાર્જ 47 પાઉન્ડથી વધારીને 64 પાઉન્ડ કરાયો છે. સર્વિસ યુનિટ ચાર્જ ફ્લાઇટના અંતર અને વજનના આધારે નક્કી કરાય છે.
એવિએશન એક્ઝિક્યુટિવ અને મોનાર્ક એરલાઇન્સના પૂર્વ એમડી ટીમ જિન્સે ચેતવણી આપી હતી કે સર્વિસ યુનિટ ચાર્જમાં 43 ટકાના વધારાનો સીધો બોજો પ્રવાસીઓ પર પડશે. પ્રવાસીએ પ્રતિ ફ્લાઇટ 43 પેન્સથી 2.08 પાઉન્ડ વધુ ચૂકવવા પડશે. તે ઉપરાંત એરલાઇન્સ કંપનીઓ યુકેમાં ઉડાનનું અંતર ઘટાડવા તેમના રૂટમાં બદલાવ કરશે જેના કારણે પ્રવાસના સમયમાં પણ વધારો થઇ શકે છે. દુર્ભાગ્યે એરલાઇન્સ પર પડનારા બોજાને અંતે તો પ્રવાસીના માથા પર જ થોપી દેવાશે. એરલાઇન્સ કંપનીઓ આ વધારો ભોગવવાની સ્થિતિમાં નથી તેથી તેનો બોજો ટિકિટની કિંમત વધારીને પ્રવાસી પર જ નંખાશે.


