લંડનઃ ઓક્ટોબર મહિનાથી સરેરાશ પરિવાર દ્વારા ચૂકવાતા એનર્જી બિલમાં 150 પાઉન્ડ પ્રતિ વર્ષનો ઘટાડો થવાની સંભાવના છે. ઓફજેમ દ્વારા આગામી સપ્તાહમાં શુક્રવારે નવી પ્રાઇસ કેપની જાહેરાત કરાશે. નવી પ્રાઇસ કેપ અંદાજિત 1925 પાઉન્ડની આસપાસ રહેવાની સંભાવના છે. પ્રાઇસ કેપ 7 ટકાના ઘટાડા સાથે માર્ચ 2022 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી શકે છે.
જોકે નિષ્ણાતો 1925 પાઉન્ડ પ્રતિ વર્ષની પ્રાઇસ કેપ પર શંકા વ્યક્ત કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. લોકો વીજળીના બિલ પેટે જે રકમ ચૂકવે છે તે આ પ્રાઇસ કેપ પ્રમાણે હોતી નથી. આ પ્રાઇસ કેપ પ્રતિ કિલોવોટ કલાક પર લાગુ કરવામાં આવે છે. ઓફજેમ એમ માને છે કે પ્રત્યેક પરિવાર દીઠ સરેરાશ 1925 પાઉન્ડની વીજળીનો વપરાશ થાય છે.


