લંડનઃ એ-લેવલના પરિણામ આવી ગયાં છે અને ચર્ચા ચાલી રહી છે કે આ વર્ષે અપાયેલા ગ્રેડ નીચા છે કે દાયકાના સૌથી ઓછા ગ્રેડ અપાયાં છે. ભારતીયો અને વિશેષ ગુજરાતી સમુદાયના વિદ્યાર્થીઓમાં ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ ટોચની પ્રાથમિકતા છે ત્યારે પોતાની પસંદગીની કારકિર્દી અને યુનિવર્સિટીમાં પ્રવેશ અંગે મૂંઝવણ પ્રવર્તી રહી છે. ઘણા વિદ્યાર્થી હતાશ થઇ ગયાં છે પરંતુ નિષ્ણાતો અને શિક્ષણશાસ્ત્રીઓ કહે છે કે ગ્રેડ્સ વિશ્વનો અંત નથી અને ઓછા ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ પાસે એપ્રેન્ટિસશિપ સહિતના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.
એ-લેવલના પરિણામો પર બ્રોડકાસ્ટર જેરેમી ક્લાર્કસને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, તમારી આશા પ્રમાણેનું પરિણામ આવ્યું નથી તેનાથી વિશ્વનો અંત આવી જતો નથી. મેં સી ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો અને તેમ છતાં આજે હું સમૃદ્ધ છું. ક્લાર્કસનના ટ્વીટને સમર્થન આપતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, જેરેમીએ એક અપવાદરૂપ કારકિર્દીનું નિર્માણ કર્યું છે. પરિણાનો દિવસ મહત્વનો છે પરંતુ જરૂરી નથી કે તે ડીલ બ્રેકર બની રહે. તમે જે કોઇ પરિણામ હાંસલ કર્યું હોય પરંતુ તમારી પાસે મોટા પ્રમાણમાં વિકલ્પ ઉપલબ્ધ છે. જો તમે સીધા કામ કરવા ઇચ્છો છો તો આપણી પાસે સેંકડો એપ્રિન્ટિસશિપ કોર્ષ ઉપલબ્ધ છે. કારકિર્દી માટેનો આ એક બ્રિલિયન્ટ માર્ગ છે જેમાં તમે અભ્યાસની સાથે સાથે કમાણી પણ કરી શકો છો. જો તમે ઉચ્ચ કક્ષાની જોબ અપાવતી લાયકાત માટે અભ્યાસ કરવા ઇચ્છો છો અને કોલેજમાં જ અભ્યાસ માટે આગ્રહ રાખો છો તો એચટીક્યુ અંગે વિચાર કરો. તે તમને વિવિધ સેકટરમાં કુશળતાથી સજ્જ કરશે. જો તમે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ઇચ્છો છો પરંતુ તમે પ્રવેશને યોગ્ય ઠર્યાં નથી તો સમગ્ર યુકેમાં મહાન યુનિવર્સિટીઓમાં સેંકડો અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. ક્લિયરિંગના માધ્યમથી તમે તેમાં પ્રવેશ મેળવી શકો છો. જો જો તમને તમારી ઇચ્છા પ્રમાણેનું પરિણામ હાંસલ થયું નથી તો ગભરાશો નહીં, તમારી પાસે ઉપલબ્ધ વિકલ્પો અંગે તમારી શાળા અથવા કોલેજ સાથે ચર્ચા કરો અથવા તો નેશનલ કેરિયર સર્વિસ એડવાઇઝરની સલાહ લઇ શકો છો.
સેકન્ડરી સાયન્સ ટીચર કવિથા રવિન્દ્રને ગુજરાત સમાચાર-એશિયન વોઇસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એ-લેવલ અથવા જીસીએસઇના પરિણઆમ તમારા શિક્ષણ સાહસનો હિસ્સો માત્ર છે. તમારી સફળતાનો આધાર આ પરીક્ષાઓ કરતાં પણ અન્ય બાબતો પર વધુ રહેલો છે. તમે કેટલા જુસ્સા સાથે આગળ વધો છો, તમે કેટલા પ્રતિબદ્ધ છો, તમારી સફળતા અને પડકારોમાંથી તમે શીખવાની કેટલી ઇચ્છા ધરાવો છો તેના પર રહેલો છે.


