લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલા ગયા સપ્તાહમાં કેન્યાની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. યુકેની રાજગાદી પર આરૂઢ થયા પછી કિંગ ચાર્લ્સ તૃતીયની આ સૌપ્રથમ કોમનવેલ્થ દેશની મુલાકાત છે. કેન્યાના પ્રમુખ વિલિયમ રૂટો દ્વારા કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાને સ્ટેટ હાઉસ ખાતે આવકાર અપાયો હતો જ્યાં કિંગ ચાર્લ્સને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. કિંગ ચાર્લ્સે 1963માં કેન્યાની આઝાદીના પ્રતિક સમાન મોન્યુમેન્ટની મુલાકાત લીધી હતી. નૈરોબીની બહાર આવેલા ઉહુરુ ગાર્ડન ખાતેની અનનોન વોરિયર ટોમ્બ ખાતે કિંગ ચાર્લ્સે શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં અને કેન્યાની આઝાદીની યાદમાં વવાયેલા મુગોમો ટ્રીની પણ મુલાકાત લીધી હતી. મંગળવારે સાંજે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાના માનમાં ભોજન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં કેન્યા અને યુકેના ગણમાન્ય લોકો હાજર રહ્યાં હતાં.


