લંડનઃ રાજવી પરિવારમાં ચાલી રહેલા તણાવ મધ્યે કિંગ ચાર્લ્સ અને તેમના નાના પુત્ર પ્રિન્સ હેરી વચ્ચે 17મી સપ્ટેમ્બરના રોજ એક મુલાકાતનું આયોજન કરાયું છે જેમાં મેઘન મર્કેલ હાજર નહીં રહે તેમ વિશ્વાસપાત્ર રાજવી સૂત્રોએ જણાવ્યું હતું. એક મેગેઝિનના અહેવાલ પ્રમાણે કિંગ ચાર્લ્સ અને પ્રિન્સ હેરી વચ્ચે સમાધાન કરાવવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્રિન્સ હેરી અને બકિંગહામ પેલેસ વચ્ચે પ્રયાસો ચાલી રહ્યાં હતાં.
આ મુલાકાત પ્રત્યે ઘણી ઉત્સુકતા સવાઇ રહી છે. કિંગ ચાર્લ્સે આ મુલાકાત માટે તેમના નિયમિત કાર્યક્રમોમાં પણ બદલાવ કર્યો છે. 16મી સપ્ટેમ્બરના રોજ ફ્રાન્સમાં ઇન્વિક્ટસ ગેમ્સમાં ભાગી લીધા બાદ કેલિફોર્નિયા જતાં પહેલાં પ્રિન્સ હેરી લંડન આવશે. આ જ દિવસે રાજવી પરિવાર પણ બાલમોરલથી લંડન પરત ફરશે. તેથી કિંગ ચાર્લ્સ અને પ્રિન્સ હેરી બંને 17મી સપ્ટેમ્બરના રોજ લંડનમાં હશે. કિંગ ચાર્લ્સ 20મી સપ્ટેમ્બરે ફ્રાન્સની મુલાકાતે જવાના છે તેથી આ દિવસોમાં પ્રિન્સ હેરી સાથેની મુલાકાતની અંતિમ તૈયારીઓ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.
કિંગ ચાર્લ્સ કેરટેકર કિંગ બની રહેશે
રાજવી પરિવારની નિકટના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિન્સ ઓફ વેલ્સને ચેન્જમેકર મોનાર્ક બનાવવા માટે કેરટેકર કિંગ બની રહેશે. 8મી સપ્ટેમ્બરે ક્વીન એલિઝાબેથ દ્વિતિયની પ્રથમ પુણ્યતિથિ આવી રહી છે ત્યારે કિંગ ચાર્લ્સ તૃતીય પોતાને ક્વીન એલિઝાબેથના વિક્રમજનક શાસનકાળ અને પોતાના જયેષ્ઠ પુત્રના ભાવિ નેતૃત્વ વચ્ચે સેતૂ સમાન ગણે છે. જો કિંગ ચાર્લ્સ કેરટેકર કિંગ બની રહેશે તો તેઓ જૂના અને નવા વિશ્વ વચ્ચે અત્યંત મહત્વની ભુમિકા ભજવશે.
સૂત્રે જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સ યુવાવસ્થામાં રાજા બન્યા હોત તો તેઓ એક સુધારાવાદી રાજા બની રહ્યાં હોત પરંતુ દેશ જ્યારે ખંડિત સમયમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે તેમની તાજપોશી થઇ છે. મને લાગે છે કે કિંગ ચાર્લ્સ સારી રીતે માને છે કે પ્રિન્સ વિલિયમ ચેન્જ મેકર બની રહેશે.


