કિંગ ચાર્લ્સ તૃતીય બ્રિટનની રાજગાદી પર આરૂઢ થયાનું એક વર્ષ

તાજપોશી બાદ કિંગ ચાર્લ્સની લોકપ્રિયતામાં વધારો

Tuesday 05th September 2023 11:42 EDT
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીય બ્રિટનના રાજા નિયુક્ત થયાને એક વર્ષ પુરું થયું છે. 8 સપ્ટેમ્બર 2022ના રોજ તેમની માતા ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધનના દિવસે જ કિંગ ચાર્લ્સને બ્રિટનના રાજા ઘોષિત કરાયાં હતાં. ક્વીન એલિઝાબેથ દ્વિતીયની પ્રથમ પુણ્યતિથિ અને ચાર્લ્સની કિંગ તરીકેની વરણી એમ બંને પ્રસંગોને અત્યંત ગુપ્ત રીતે મનાવવામાં આવશે. 70 વર્ષ જેટલો લાંબો સમય રાહ જોયા પછી 74 વર્ષીય ચાર્લ્સને રાજા બનવાની તક મળી હતી. બ્રિટનના ઇતિહાસમાં રાજગાદીના વારસે સૌથી લાંબો સમય ઇંતજાર કર્યો હતો. છેલ્લા એક વર્ષ દરમિયાન અપેક્ષાઓ પ્રમાણે કિંગ ચાર્લ્સે રાજાશાહીમાં મોટા બદલાવ હજુ સુધી કર્યા નથી. ઘણા લોકો એમ માની રહ્યાં છે કે કિંગ ચાર્લ્સ તેમના વારસ પ્રિન્સ વિલિયમ માટે કેરટેકરની ભુમિકા અદા કરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કિંગ ચાર્લ્સ અને તેમના પત્ની કેમિલાની સત્તાવાર તાજપોશી 6 મે 2023ના રોજ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કરાઇ હતી. લોકપ્રિયતાના મામલામાં કિંગ ચાર્લ્સ હંમેશા તેમના માતા ક્વીન એલિઝાબેથ અને પુત્ર પ્રિન્સ વિલિયમ કરતાં હંમેશા પાછળ રહ્યાં છે પરંતુ તાજપોશી બાદ તેમના દ્વારા લેવાઇ રહેલાં પગલાંને કારણે તેમની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે.

ક્વીન એલિઝાબેથ દ્વિતીયના મેમોરિયલ અંગેની યોજના 2026માં જાહેર કરાશે

ક્વીન એલિઝાબેથ દ્વિતીયના કાયમી મેમોરિયલ માટેની યોજના એક સ્વતંત્ર સમિતિ દ્વારા વર્ષ 2026માં જાહેર કરાશે. આ વર્ષે સ્વ. ક્વીનનો 100મો જન્મદિવસ પણ ઉજવાશે. ક્વીનને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માટેના પ્રસ્તાવો પર વિચારણા કરવા રચાયેલી ક્વીન એલિઝાબેથ મેમોરિયલ કમિટીના અધ્યક્ષપદે ક્વીનના પૂર્વ પ્રાઇવેટ સેક્રેટરી રોબિન જેનવ્રિનની નિયુક્તિ કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter