કોમનવેલ્થ ગેમ્સના વળતા પાણી, હવે આયોજન માટે કેનેડાએ ઇનકાર કર્યો

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટના ઇનકાર બાદ હવે કેનેડાના આલ્બર્ટા સ્ટેટે નનૈયો ભણ્યો

Tuesday 08th August 2023 11:29 EDT
 

લંડનઃ કોમનવેલ્થ ગેમ્સનું લેવાલ હવે કોઇ રહ્યું નથી. 2026ની કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાંથી ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટે પીછેહઠ કર્યા બાદ હવે 2030ની કોમનવેલ્થ ગેમ્સના સંભવિત આયોજનમાંથી કેનેડાના આલ્બર્ટા પ્રોવિન્સે પણ પીછેહઠ કરી લીધી છે. જેના પગલે કેનેડામાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનની સંભાવનાનો અંત આવી ગયો છે. કોમનવેલ્થ ગેમ્સમાં 54 કોમનવેલ્થ દેશોના અંદાજિત 4000 ખેલાડી ભાગ લેતા હોય છે. 

ટુરિઝમ અને સ્પોર્ટ મિનિસ્ટર જોસેફ શોવે જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સનું આયોજન આલ્બર્ટાના કરદાતાઓના હિતમાં નથી. હાલના અંદાજ પ્રમાણે કોમનવેલ્થ ગેમ્સના આયોજન પાછળ આલ્બર્ટા સ્ટેટને 2.01 બિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ થઇ શકે છે. કોમનવેલ્થ ગેમ્સની સ્પોન્સરશિપ અને મર્યાદિત બ્રોડકાસ્ટ રેવન્યૂ ઘણી ઓછી હોવાના કારણે રમતોત્સવ પાછળના ખર્ચનો 93 ટકા બોજ કરદાતાઓ પર પડી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, અમે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટના આયોજન પાછળ થનારા ખર્ચ માટે અમારા કરદાતાઓ સાથે પ્રમાણિક અને પારદર્શક રહેવા માગીએ છીએ. આવા આયોજનથી કેવા પ્રકારના લાભ થાય છે તે અમે અમારા સ્ટેટના લોકો અને સમુદાયો સમક્ષ રજૂ કરીએ છીએ. તેથી અમે 2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન નહીં કરવાનો નિર્ણય કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter