લંડનઃ ભારતીય મૂળના કન્ઝર્વેટિવ સાંસદ ક્લેર કોટિન્હોની સુનાક કેબિનેટમાં એનર્જી અને નેટ ઝીરો સેક્રેટરી તરીકે નિયુક્તિ કરાઇ છે. મૂળ ભારતના ગોવાના 38 વર્ષીય ક્લેર કોટિન્હો સુનાક કેબિનેટના સૌથી યુવા મંત્રી બન્યાં છે. ગુરુવારે ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસે રાજીનામુ આપ્યા બાદ વડાપ્રધાન સુનાકે તેમની જવાબદારી એનર્જી સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સને સોંપી હતી. શેપ્સના ખાલી પડેલા પદ પર ક્લેર કોટિન્હોની નિયુક્તિ કરાઇ હતી.
કોટિન્હો સુનાક સરકારમાં સૌથી યુવા મંત્રી બન્યાં છે. તેઓ રાજનીતિમાં ઝડપથી પ્રગતિ કરીને આગળ વધ્યાં છે. એક વર્ષ કરતાં ઓછો સમય જુનિયર મિનિસ્ટરિયલ હોદ્દાઓ પર તેઓ કામ કરી ચૂક્યાં છે. ક્લેર કોટિન્હો 2019માં ઇસ્ટ સરે બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
રિશી સુનાકની સરકારમાં હવે ભારતીય મૂળના મંત્રીઓની સંખ્યા 3 પર પહોંચી છે. કેબિનેટમાં વડાપ્રધાન રિશી સુનાક ઉપરાંત હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન અને ક્લેર કોટિન્હો ભારતીય મૂળના છે. ક્લેર કોટિન્હોનો પરિવાર પૂણેમાં વસવાટ કરે છે અને તેઓ મૂળ ગોવાના છે.
કોટિન્હોએ જણાવ્યું હતું કે મારી નિયુક્તિથી હું ઘણી ખુશ છું. હું એનર્જી સિક્યુરિટી માટે વડાપ્રધાન સુનાક સાથે મળીને કામ કરીશ. પરિવારોને વીજળીના બિલમાં રાહત આપીશ અને ઘરઆંગણે ક્લીન અને સસ્તી એનર્જીનું ઉત્પાદન વધારીશ.
ક્લેરના પિતા વિન્સ્ટન બાસિલ કોટિન્હો અને માતા મારિયા જુલાયા 1970ના દાયકામાં ફક્ત 100 પાઉન્ડ લઇને યુકે પહોંચ્યા હતા. ક્લેરના માતાપિતા એમબીબીએસની ડિગ્રી ધરાવતા હતા. તેમના પિતાએ યુકેમાં એનેસ્થેટિસ્ટ અને માતાએ ડોક્ટર તરીકે ફરજ બજાવી છે.


