લંડનઃ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનની સ્પેશિયલ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ માટે અંડરકવર એજન્ટ તરીકે કામ કરનાર ભારતીય મૂળના જાસૂસ નૂર ઇનાયત ખાનના તૈલચિત્રનું રોયલ એરફોર્સ ક્લબ ખાતે ક્વીન કેમિલાએ અનાવરણ કર્યું હતું. ટીપુ સુલતાનના પરિવારનો વારસો ધરાવતા નૂર ઇનાયત ખાને બ્રિટિશ સેના માટે આપેલા બલિદાનને યાદ કરતાં કવીન કેમિલાએ તૈલચિત્ર મૂકાયું છે તે ઓરડાને નૂર ઇનાયત ખાન રૂમ નામકરણ કર્યું હતું.
નૂર ઇનાયત ખાન રોયલ એરફોર્સની વીમેન્સ ઓક્ઝિલિયરી એરફોર્સના સભ્ય હતા. 1942માં એસઓઇમાં સામેલ થયેલા નૂર વીમેન્સ ફોર્સના જ્યોર્જ ક્રોસ સન્માન પ્રાપ્ત કરનારા બે સભ્યો પૈકીના એક હતાં. ભારતીય મૂળના બ્રિટિશ લેખક શરબની બસુએ જણાવ્યું હતું કે, આ એક ગૌરવપ્રદ ક્ષણ હતી. બસુએ નૂર ઇનાયત ખાનની જીવનકથા આલેખી છે.


