ક્વીનની પ્રથમ પુણ્ય તિથિના કાર્યક્રમમાં પ્રિન્સ હેરી અને મેઘનને આમંત્રણ નહીં

દેશમાં કોઇ જાહેર સમારોહ યોજાશે નહીઃ બકિંગહામ પેલેસ

Tuesday 08th August 2023 11:15 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની પ્રથમ પુણ્ય તિથિ પર રાજવી પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલને આમંત્રણ અપાયું નથી. ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે 8 સપ્ટેમ્બર 2022ના રોજ નિધન થયું હતું. પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ 9 થી 16 સપ્ટેમ્બર જર્મનીમાં ઇન્વિક્ટસ ગેમ્સમાં હાજરી આપવાના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અંગે રાજવી પરિવારના વરિષ્ઠ સભ્યો દ્વારા પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલનો કોઇ સંપર્ક કરાયો નથી કે કોઇ આમંત્રણ અપાયું નથી.

ક્વીન એલિઝાબેથ દ્વિતીયની પ્રથમ પુણ્ય તિથિ નિમિત્તે કેવા પ્રકારના કાર્યક્રમ થશે તે અંગે બકિંગહામ પેલેસ દ્વારા કોઇ જાહેરાત કરાઇ નથી. જોકે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા તથા રાજવી પરિવારના અન્ય સભ્યો બાલમોરલ ખાતે એકઠાં મળે તેવી સંભાવના છે.

બીજીતરફ બકિંગહામ પેલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ક્વીન એલિઝાબેથ દ્વિતીયની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દેશમાં કોઇ જાહેર સમારોહ યોજાશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter