લંડનઃ યુકેના સિક્યુરિટી મિનિસ્ટર ટોમ તુગેન્ધાતે ખાલિસ્તાની કટ્ટરવાદને નાથવા બ્રિટનની ક્ષમતામાં વધારો કરવા 95000 પાઉન્ડના નવા ફંડિંગની જાહેરાત કરી છે. એમ લાગે છે કે બ્રિટનને ખાલિસ્તાની કટ્ટરવાદ સામે પગલાં લેવામાં કોઇ રસ લાગતો નથી. 95,000 પાઉન્ડ જેવી ક્ષુલ્લક રકમની ફાળવણી કરીને બ્રિટને તેના ઇરાદા સ્પષ્ટ કરી દીધાં છે. હાલ તુગેન્ધાત ભારતની 3 દિવસની મુલાકાતે પહોંચ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર સાથેની મુલાકાતમાં તુગેન્ધાતે આ નવા ફંડિંગની જાહેરાત કરી હતી.
ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશને જણાવ્યું હતું કે, નવા ફંડિંગના કારણે ખાલિસ્તાની કટ્ટરવાદ તરફથી સર્જાઇ રહેલી ધમકીઓને સમજવામાં સરકારને મદદ મળી રહેશે. યુકે અને ભારત જોઇન્ટ એક્સટ્રિમિઝમ ટાસ્ક ફોર્સ દ્વારા ખાલિસ્તાની કટ્ટરવાદ સામે સંયુક્ત રીતે કામ કરી રહ્યાં છે.
તુગેન્ધાતે જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેનો લિવિંગ બ્રિજ બંને દેશ વચ્ચેની ગાઢ મિત્રતાનું પ્રતિબિંબ છે. વિશ્વની સૌથી જૂની અને મોટી લોકશાહી તરીકે વિશ્વને વધુ સરક્ષિત અને સમૃદ્ધ બનાવવા બંને દેશ પાસે સહિયારી તકો રહેલી છે. બંને દેશ વચ્ચેની મજબૂત ભાગીદારીના કારણે આપણે સુરક્ષા સામે રહેલી ધમકીઓનો અસરકારકતાથી સામનો કરી શકીએ છીએ.
ભારતીય હાઇ કમિશનની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાયાં છેઃ તુગેન્ધાત
બ્રિટિશ સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો હતો કે લંડનમાં ભારતીય હાઈ કમિશન અને તેના કર્મચારીઓની સુરક્ષા અને સલામતી માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. ખાલિસ્તાની જૂથો દ્વારા ભારતીય હાઈ કમિશન પર હુમલાના પાંચ મહિના પછી ટુગેન્ધાતે હાઈ કમિશનની સુરક્ષા અંગે વાત કરી હતી. તેમણે ઉમેર્યું કે, સ્થાનિક સરકાર આવા કટ્ટરવાદી તત્વો સામે સ્થાનિક કાયદા મુજબ કામ કરશે.
મને ખાલિસ્તાની કે અલગતાવાદી તરીકે ચીતરશો નહીઃ તનમનજીત સિંહ ઢેસી
ભારતની મુલાકાતે આવેલા યુકેના ભારતીય મૂળના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતેની હિંસાને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, ભારતની જેમ યુકેમાં પણ ઘણા દેખાવો યોજાતા હોય છે. જો લોકો કોઇપણ મુદ્દા પર શાંતિપૂર્ણ દેખાવો કરે તો તે સરકારને સ્વીકાર્ય છે પરંતુ જ્યારે કોઇ તોડફોડ કે હિંસા આચરવામાં આવે છે ત્યારે વખોડી કઢાય છે. સુસંસ્કૃત સમાજમાં હિંસાને કોઇ સ્થાન નથી. ઢેસીએ ભારતીય મીડિયા અને અન્યોને અપીલ કરી હતી કે મને ખાલિસ્તાની કે અલગતાવાદી તરીકે ચીતરશો નહીં.
અવતારસિંહ ખાંડાની અંતિમવિધિમાં ખાલિસ્તાની ધ્વજ અને નારાબાજી
ખાલિસ્તાની અલગતાવાદી અવતારસિંહ ખાંડાની અંતિમવિધિમાં સમગ્ર યુકેમાંથી હજારો શીખ ઉમટી પડ્યાં હતાં. 12 ઓગસ્ટ શનિવારના રોજ સ્મિથવિક ખાતેના ગુરુ નાનક ગુરુદ્વારા ખાતે તેમની અંતિમ વિધિ રખાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો ખાલિસ્તાની ધ્વજ સાથે ઉમટી પડ્યાં હતાં અને ખાલિસ્તાન તરફી નારાબાજી કરી હતી. આ પ્રસંગે ખાંડાના પરિવારનો નિકટનો કોઇ સભ્ય અંતિમવિધિમાં હાજર રહ્યો નહોતો. ખાંડાની માતા અને બહેન ભારતના પંજાબના મોગા ખાતે રહે છે. યુકેની હોમ ઓફિસે તેમને વિઝા આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે લાઇવ સ્ટ્રિંમિંગ દ્વારા અંતિમવિધિ નીહાળી હતી.


