લંડનઃ નવા નિયમો અંતર્ગત બિનઅધિકૃત અને ગેરકાયદેસર માઇગ્રન્ટને નોકરી રાખનાર નોકરીદાતા અને પોતાની પ્રોપર્ટીમાં રહેવાની વ્યવસ્થા આપનાર મકાન માલિકને કરાતા દંડમાં તોતિંગ વધારો કરાયો છે. ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જનરિકે જણાવ્યું હતું કે, જે લોકો દસ્તાવેજો વિનાના માઇગ્રન્ટને નોકરીએ રાખે છે તેઓ આડકતરી રીતે નાની હોડીઓ દ્વારા માનવ તસ્કરી કરતા માનવ તસ્કરોની મદદ કરી રહ્યાં છે.
સરકાર આ પ્રકારના નોકરીદાતાને કરાતો દંડ મહત્તમ 45000 પાઉન્ડ કરવાની તૈયારી કરી રહી છે. વારંવાર આ પ્રકારનો ગુનો આચરનારને 60,000 પાઉન્ડ સુધીનો દંડ થઇ શકે છે. તેવી જ રીતે ગેરકાયદેસર માઇગ્રન્ટને રહેવાની વ્યવસ્થા આપનાર મકાન માલિકને માથા દીઠ 1000થી 10,000 પાઉન્ડ અને રિપીટ ઓફેન્ડરને માથાદીઠ 3000થી 20,000 પાઉન્ડનો દંડ કરાશે. બોક્સ
હવે માઇગ્રન્ટ્સને એસેસન ટાપુ પર વસાવવાની યોજના પર વિચારણા
જો સરકારની માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવાની યોજના પડી ભાંગે તો પ્લાન બી તરીકે સરકાર માઇગ્રન્ટ્સને દક્ષિણ એટલાન્ટિકમાં આવેલા એસેસન ટાપુ પર વસાવવાની યોજના બનાવી રહી છે. આ ટાપુ દક્ષિણ એટલાન્ટિકમાં બ્રિટનથી 4000 માઇલ દૂર આવેલો છે. તે ઉપરાંત સરકાર આફ્રિકાના વધુ પાંચ દેશો સાથે પણ માઇગ્રન્ટ્સને વસાવવા માટે મંત્રણા કરી રહી છે.
અધિકારીઓ હાજર ન રહેતાં હજારોને બ્રિટનમાં વસવાટનો અધિકાર મળી ગયો
હોમ ઓફિસ કેસોની સુનાવણીમાં પોતાના અધિકારીઓને મોકલવામાં નિષ્ફળ રહેતાં ગયા વર્ષે રિજેક્ટ કરાયેલા હજારો માઇગ્રન્ટને બ્રિટનમાં વસવાટનો અધિકાર મળી ગયો હતો. એક અખબારી અહેવાલ પ્રમાણે દર ચારમાંથી એક કેસમાં એટલે કે 20,490 કેસમાંથી 23 ટકા કેસમાં સરકાર તરફથીરજૂઆત કરવા માટે ઇમિગ્રેશન અધિકારી અદાલતમાં હાજર જ રહ્યો નહોતો.


