ચાઇલ્ડ સીરિયલ કીલર નર્સ લ્યુસી લેટબીને આજીવન કેદ

33 વર્ષીય નર્સે 7 નવજાત શિશુની હત્યા કરી, 6ની હત્યાનો પ્રયાસ કર્યો હતો, આજીવન કેદની સજા મેળવનારી યુકેની ચોથી મહિલા અપરાધી

Tuesday 22nd August 2023 11:41 EDT
 
 

લંડનઃ યુકેમાં આધુનિક સમયમાં સૌથી ખતરનાક ચાઇલ્ડ સીરિયલ કીલર તરીકે કુખ્યાત બનેલી નર્સ લ્યુસી લેટબીને સોમવારે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 33 વર્ષીય નર્સને 7 નવજાત શિશુની હત્યા અને અન્ય 6 નવજાતની હત્યાના પ્રયાસ માટે દોષી ઠેરવવામાં આવી હતી. લેટબીએ નવજાત બાળકોની હવાના ઇન્જેક્શન આપી, અન્ય માતાઓના દૂધનો ઓવરડોઝ આપી અને બે નવજાતને ઝેર આપીને હત્યા કરી હતી. સજાની સુનાવણી સમયે લેટબીએ અદાલતમાં હાજર રહેવાનો ઇનકાર કરી દીધો હતો. લેટબીનું આખું જીવન હવે જેલના સળિયા પાછળ વીતશે. યુકેમાં આ પ્રકારની આજીવન કેદની સજા મેળવનારી તે ચોથી મહિલા અપરાધી છે.

33 વર્ષીય લ્યુસીને શુક્રવારે જ્યુરી દ્વારા દોષી ઠેરવવામાં આવી હતી. તેના પર જૂન 2015થી જૂન 2016 વચ્ચે કાઉન્ટેસ ઓફ ચેસ્ટર હોસ્પિટલના નિઓનેટલ યુનિટમાં કામ કરતી વખતે નવજાત શિશુઓની હત્યા કરવાનો આરોપ મૂકાયો હતો.

લેટબીના કાર્યકાળમાં સીનિયર મેનેજર રહેલા એલિસન કેલી સસ્પેન્ડ કરાયાં

લ્યુસી લેટબી કાઉન્ટેસ ઓફ ચેસ્ટર હોસ્પિટલના નિઓનેટલ યુનિટમાં ફરજ બજાવતી હતી તે સમયે હોસ્પિટલના સીનિયર મેનેજર એવા એલિસન કેલીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. એલિસન કેલી અને અન્ય મેનેજરો પર લેટબી અંગે સીનિયર ડોક્ટરોએ આપેલી ચેતવણીઓ સામે આંખ આડા કાન કરવાનો આરોપ મૂકાયો છે. હાલમાં નોર્ધન કેર એલાયન્સ ખાતે નર્સિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા કેલીને સુનાવણી દરમિયાન સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે.

સરકારે લ્યૂસી લેટબી કાંડમાં સ્વતંત્ર તપાસની જાહેરાત કરી

સરકારે લ્યૂસી લેટબીના કેસમાં સ્વતંત્ર તપાસનો આદેશ આપ્યો છે. હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલે દ્વારા જાહેર કરાયેલી આ તપાસ એનએચએસથી સ્વતંત્ર રહેશે અને તેમાં પીડિત પરિવારો તરફથી અપાયેલી માહિતીની પણ સમીક્ષા કરાશે. તેમાં સાક્ષીઓને પુરાવા આપવા માટે દબાણ કરાશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter